હવે તામીલનાડુમાં ઈન્ક્મટેક્સ નું દરોડા ઓપરેશન: પ્રધાન બાલાજીના નિકટના કોન્ટ્રાકટરો પર કાર્યવાહી

ચેન્નાઇ : તામિલનાડુમાં ઉર્જામંત્રી વી.મેંવિલ, બાલાજીની નજીકના ગણાતા કેટલાક કોન્ટ્રાકટરો પર આવકવેરા વિભાગે મોટાપાયે દરોડા ઓપરેશન હાથ ધર્યુ છે. રાજયના ડીએમકેના વરિષ્ઠ નેતા તથા ઉર્જા સહિતના વિભાગોના મંત્રી બાલાજીની નજીકના ઉદ્યોગકાર-કોન્ટ્રાકટરો પર ઈન્ક્મટેક્સ ત્રાટક્તા રાજકીય ખળભળાટ સર્જાયો છે. આજે સવારથી શ્રેણીબદ્ધ સ્થળોએ દરોડા કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રોના કહેવા પ્રમાણે મંત્રી બાલાજીની નજીકના ગણાતા સરકારી કોન્ટ્રાકટરોની ઓફિસો તથા રહેઠાણ સહિત ૪૦ સ્થળોએ અધિકારીઓની ટુકડી સવારથી ત્રાટકી હતી. ચેન્નાઇ, કરૂર સહિતના શહેરોમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે.

પ્રધાનના નજીકના સગા તથા કોન્ટ્રાકટરો પણ ઝપટે ચડયા છે. કેન્દ્ર સરકાર સામે વિપક્ષી નેતાઓ પર આવકવેરા-એન્ફોર્સમેન્ટ દ્વારા ઈરાદાપૂર્વક દરોડા પડાવવામાં આવતા હોવાનો આરોપ મુકાતો રહ્યો જ છે ત્યારે વધુ એક નેતા ઝપટે ચડયા છે.