હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે,ગુજરાત સરકારનો નિર્ણય

ગાંધીનગર, સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.

જણાવી દઈએ કે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે વીજ કંપનીઓ સ્માર્ટ મીટરની સાથે જૂના મીટરો પણ લગાવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવો નિર્ણય લેવાયો છે કે માંગણી કરનાર ગ્રાહકોને સ્માર્ટ મીટરની સાથે જુનું મીટર પણ લગાવી અપાશે.

ગઈકાલે રાજ્ય સરકારે ચારેય વીજ કંપની એમડી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ સ્માર્ટ વીજમીટરને લઈને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. સ્માર્ટ વીજ મીટરના વિરોધ વચ્ચે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જે બેઠકમાં ચારેય વીજ કંપનીઓના વડા હાજર રહ્યા હતા. ત્યારે વડોદરાના નાગરિકે સ્માર્ટ મીટરને લઈ હાઈકોર્ટમાં અરજી કરી છે.

ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્માર્ટ વીજ મીટર સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. સ્માર્ટ મીટરની કામગીરી, આગામી આયોજન તથા ગેરસમજ દૂર કરવા સમીક્ષા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ઠેર-ઠેર સ્માર્ટ પ્રિપેડ મીટરને લઇ વિરોધ જોવા મળી રહ્યો છે. એક મહિનાનું લાઈટ બિલ માત્ર બે દિવસની અંદર જ આવતા હોવાના આક્ષેપ સાથે મધ્યમવર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે.

સ્માર્ટ મીટરના મુદ્દા હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. વડોદરાના બાજવાના એક નાગરિકે એમજીવીસીએલના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરર્જીક્તાએ જણાવ્યું કે, દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ૨૦૦૬ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી.