હવે શિંદે સરકાર ગેરકાયદેસર રીતે રચાઇ છે એવા પ્રચારના આધારે બેઠા થવા પ્રયાસ કરવા પડશે : પવાર

મુંબઇ,સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે હાલ પૂરતું ઉદ્ધવ જૂથ માટે રાજકીય અલ્પવિરામ આવી ગયું છે. આગામી મહાપાલિકા ચૂંટણી તથા તે પછી વિધાનસભા ચૂંટણી વખતે ફરી બેઠા થવું હોય તો તેમણે કેવી રીતે એકનાથ શિંદે તથા ભાજપે ગેરકાયદેસર રીતે સરકાર રચી હતી તેનો પ્રચાર કરી લોકો સમક્ષ જવું પડશે.

એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કરીને શિવસેનાના ભાગલા પાડયા, ભાજપની સાથે હાથ મેળવીને તથા રાજ્યપાલના હોદ્દાનો દુરુપયોગ કરીને મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રચના કરી છે તેવું સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે સાબિત થાય છે તેમ ઉદ્ધવ જૂથ માને છે પરંતુ તેણે પોતાનું આ અર્થઘટન સામાન્ય લોકોને તથા પક્ષના સંગઠનને પણ ગળે ઉતારવું પડશે.

હવે ઉદ્ધવે ઠાકરેના સમર્થનના ગણ્ગ્ગાંઠયા ધારાસભ્યો છે. સંગઠનના કેટલાય નેતાઓ પણ શિંદેની શિવસેનામાં ભળી ગયા છે. બાકી બચેલા નેતાઓને સાચવી રાખવા ઉદ્ધવે કોઈ બહુ મોટો મુદ્દો શોધવો પડશે. તે માટે પ્રજામાં સહાનુભૂતિનો મુદ્દો કામ આવી શકે છે.

આગામી વિધાનસભા અને લોક્સભાની ચૂંટણીમાં પ્રજા સમક્ષ શિંદેએ પીઠ પાછળ ખંજૂર ભોંક્યું છે એવી રજૂઆત કરીને સિમ્પથી મેળવવાનો પ્રયાસ ઉદ્ધવ ઠાકરે કરે એવી શક્યતા છે.

ઉલ્લેખનિય છે કે એન.સી.પી.ના વડા શરદ પવારે પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીના ઘટકો પક્ષો પણ શિંદે સરકારની રચના ગેરકાયદેસર રચના થઇ છે તે વાત પ્રજાને સમજાવવા માટે સાથે મળીને પ્રયાસ કરશે.