મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ લાગુ કરી હતી, જેની સફળતા બાદ હવે આ પહેલને રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ નવી પહેલના સફળ પ્રયોગને કારણે બનાસકાંઠા અને પંચમહાલની જિલ્લા સહકારી બેંકોમાં સહકારી મંડળીઓ અને તેમના સક્રિય સભ્યો દ્વારા ૪ લાખથી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા છે, જેના પરિણામ સ્વરૂપે સહકારી બેંકોની થાપણોમાં ૯૬૬ કરોડનો વધારો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી છે.
સહકાર ક્ષેત્રની આ નોંધપાત્ર સિદ્ધિ અંગે ગુજરાતના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્ર્વકર્માએ જણાવ્યું હતું કે, “મજબૂત સહકારી ક્ષેત્ર ‘વિકસિત ગુજરાત’ના પાયામાં મજબૂત આધારસ્તંભ સાબિત થઈ શકે છે, જે આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ‘વિકસિત ભારત ૨૦૪૭’ને સાકાર કરવામાં મદદરૂપ સાબિત થશે.”
આ પહેલનો ઉદ્દેશ ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાનો છે. આમાં, વિવિધ કોમશયલ બેંકોમાં કાર્યરત સહકારી સંસ્થાઓ અને તેમના સભ્યોના વર્તમાન બેંક ખાતાઓને એકીકૃત કરવામાં આવ્યા છે અને કેન્દ્રીયકૃત જિલ્લા સહકારી બેંક/રાજ્ય સહકારી બેંક હેઠળ લાવવામાં આવ્યા છે.
કેન્દ્રીયકૃત બેંક હેઠળ સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીને એકીકૃત કરવાના ઘણા મહત્વપૂર્ણ પરિણામો જોવા મળ્યા છે. ઉદાહરણ તરીકે, કેન્દ્રીયકૃત સહકારી બેંકની થાપણોમાં નોંધપાત્ર વધારો થયો છે, સહકારી મંડળીઓમાં નાણાકીય પ્રવાહીતા વધી છે, જેના કારણે લોન સંબંધિત જરૂરિયાતો અને માંગણીઓ હવે સરળતાથી પૂરી થઈ શકે છે. આ ઉપરાંત, આ પહેલ હવે સુનિશ્ર્ચિત કરશે કે સહકારી સંસ્થાઓની સામૂહિક મૂડીનો ઉપયોગ અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા પણ કરી શકાય.
જૂન ૨૦૨૩ અને જાન્યુઆરી ૨૦૨૪ની વચ્ચે, ગુજરાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની પરિકલ્પનાને અનુસરતા બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન, દૂધ સંઘો સાથે સંલગ્ન ૧૦૪૮ દૂધ મંડળીઓના પ્રવર્તમાન બેંક ખાતાઓ જિલ્લા મયસ્થ સહકારી બેંકો સાથે એકીકૃત કરવામાં આવ્યા અને વધારાનું ભંડોળ તેમના નવા બેંક ખાતાઓમાં સંપૂર્ણપણે ટ્રાન્સફર કરવામાં આવ્યું. બંને જિલ્લાની સહકારી બેંકોમાં ૪.૭ લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા, જેના કારણે આ બેંકોની હાલની થાપણોમાં ?૯૬૬ કરોડનો વધારો થયો.