હવે પીઓકેને આઝાદ કરવાનો સમય આવી ગયો છે, વિશ્વ  હિન્દુ પરિષદ પ્રમુખ

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, કલમ 370 હવે ઈતિહાસની વાત બની ગઈ છે. પીઓકેને મુક્ત કરવાનો સમય આવી ગયો છે. આલોક કુમારે કહ્યું કે સોમવારે સુપ્રીમ કોર્ટનો કલમ 370 પરનો નિર્ણય એ ભારતીય જન સંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ છે.

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને વરિષ્ઠ વકીલ આલોક કુમારે કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે, હવે કલમ 370 ઈતિહાસની વાત છે. ‘હવે જમ્મુ-કાશ્મીરનો બીજો અધૂરો એજન્ડા PoKને પાકિસ્તાનના ચુંગાલમાંથી મુક્ત કરવાનો છે. અમને વિશ્વાસ છે કે એક મજબૂત ભારત અને સમર્પિત સરકાર ટૂંક સમયમાં જ પીઓકેને પણ મુક્ત કરશે.

આલોક કુમારે કહ્યું કે ‘જમ્મુ અને કાશ્મીર હંમેશાથી ભારતનો અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે. આજનો નિર્ણય દર્શાવે છે કે મહારાજા હરિસિંહ દ્વારા વર્ષ 1947-48માં હસ્તાક્ષર કરાયેલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન અંતિમ હતું. પરંતુ કેટલીક રાજકીય ગેરસમજને કારણે તે સમયે જમ્મુ-કાશ્મીરને કલમ 370 હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો.

આલોક કુમારે કહ્યું કે તેમને આશા છે કે જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ કાર્ય કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે. જણાવી દઈએ કે સોમવારે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ, 2019ના રોજ લીધેલા નિર્ણયને બંધારણીય રીતે માન્ય ગણાવ્યો અને કહ્યું કે કલમ 370 અસ્થાયી છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે આ નિર્ણય આપ્યો છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ બિલ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે કારણ કે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. અમિત શાહે કહ્યું કે PoK આપણું છે અને તેને કોઈ આપણી પાસેથી છીનવી શકે નહીં.