હવે પીઓકેને આઝાદ કરવાનો સમય આવી ગયો છે, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ

નવીદિલ્હી, વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું છે કે કલમ ૩૭૦ હવે ઈતિહાસની વાત છે અને હવે પીઓકેને મુક્ત કરવાનો સમય આવી ગયો છે. આલોક કુમારે કહ્યું કે કલમ ૩૭૦ પર સોમવારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય એ ભારતીય જન સંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ છે.

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને વરિષ્ઠ વકીલ આલોક કુમારે કલમ ૩૭૦ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે હવે કલમ ૩૭૦ ઇતિહાસની વાત છે. તેમણે કહ્યું કે ’હવે જમ્મુ-કાશ્મીરનો બીજો અધૂરો એજન્ડા છે, તે છે પીઓકેને પાકિસ્તાનના ચુંગાલમાંથી મુક્ત કરવાનો. અમને વિશ્ર્વાસ છે કે એક મજબૂત ભારત અને સમર્પિત સરકાર ટૂંક સમયમાં જ પીઓકેને પણ મુક્ત કરશે.

આલોક કુમારે કહ્યું કે ’જમ્મુ અને કાશ્મીર હંમેશાથી ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. આજનો નિર્ણય દર્શાવે છે કે મહારાજા હરિ સિંહ દ્વારા વર્ષ ૧૯૪૭-૪૮માં હસ્તાક્ષર કરાયેલ ઇન્સ્ટૂમેન્ટ ઓફ એક્સેશન અંતિમ હતું. પરંતુ કેટલીક રાજકીય ગેરસમજને કારણે તે સમયે જમ્મુ-કાશ્મીરને કલમ ૩૭૦ હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો.

આલોક કુમારે કહ્યું કે તેમને આશા છે કે જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ કાર્ય કોઈપણ અવરોધ વિના ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે સોમવારે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ લીધેલા નિર્ણયને બંધારણીય રીતે માન્ય ગણાવ્યો અને કહ્યું કે કલમ ૩૭૦ અસ્થાયી છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે આ નિર્ણય આપ્યો છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ બિલ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે કારણ કે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. અમિત શાહે કહ્યું કે પીઆકે અમારું છે અને તેને કોઈ અમારી પાસેથી છીનવી શકે નહીં.