હવે લેટરલ નહીં, ફ્રન્ટલ:કેન્દ્ર સરકાર આઇએએસ અધિકારીઓની વાર્ષિક ભરતી સંખ્યા વધારે તેવી વકી

અમલદારશાહીમાં લેટરલ એન્ટ્રી મુદ્દે યુ-ટર્ન પછી હવે કેન્દ્ર સરકારે આઇએએસ અધિકારીઓની વાષક ભરતીની સંખ્યા વધારી શકે છે. સૂત્રો પ્રમાણે સરકાર દ્વારા રચાયેલી સમિતિએ તાજેતરમાં આઇએએસ અધિકારીઓની સંખ્યા વધારવાની ભલામણ કરતો અહેવાલ સુપરત કર્યો છે. અત્યારે યુપીએસસીના માધ્યમથી દર વર્ષે ૧૮૦ આઇએએસ અધિકારીની ભરતી થાય છે. વાર્ષિક આઇએએસ અધિકારીની ઘટ છતાં આ સંખ્યા વધારવા માટે ના પાડતી હતી.

રાજ્ય સરકારો પણ સમયાંતરે કેન્દ્રને આઇએએસ અધિકારીઓની વાર્ષિક ભરતીસંખ્યા વધારવાની માગ કરતી આવી છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારનો તર્ક એ છે કે ભરતીની સંખ્યા વધારવાથી અમલદારોની કાર્યપદ્ધતિની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. કેન્દ્રનું માનવું છે કે અમલદારશાહી એક પિરામિડ તરીકે કામ કરે છે. દરેક આઇએએસ અધિકારીનું લક્ષ્ય એક દિવસ શિખર પર પહોંચવાનું હોય છે. આઇએએસ અધિકારીઓની વધુ સંખ્યા હોય તો શિખર પર પહોંચવાનું અશક્ય બની જાય છે. તેનાથી અમલદારશાહીમાં ઉત્સાહ ઘટી જશે અને તેની સીધી અસર સરકારના કામ પર પડશે.

કેન્દ્ર સરકાર પાસે આઇએએસ અધિકારીઓની ભરતી વધારવાના ત્રણ ઉપાય જ બચે છે ૧. રાજ્ય સરકારો ડેપ્યુટેશન પર નથી મોકલતી, ૪૦% સામે ૬% જ રાજ્ય સરકારો પોતાની કેડરના આઇએએસ અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલતી નથી. નિયમ પ્રમાણે ૪૦% આઇએએસ અધિકારી ડેપ્યુટેશન પર હતા જે ૨૦૨૧માં ઘટીને માત્ર ૬% જ રહ્યા છે. ડેપ્યુટેશન માટે અધિકારી અને સંબંધિત રાજ્યોની મંજૂરી જરૂરી હોય છે. ઘણી વાર રાજ્ય સરકારો પોતાના અધિકારીઓને મુક્ત કરતી નથી. કેન્દ્ર સરકાર રાજ્યો પાસેથી શ્રેષ્ઠ નીતિનિર્માણ માટે આઇએએસ અધિકારીઓને મોકલવાની માગણી કરે છે. રાજ્ય સરકારોનું કહેવું છે કે આઇએએસ અધિકારીઓની ઘટ છે. નવા જિલ્લા બનતા કલેક્ટરોની જરૂર છે.

૨. રાજ્યોની મનાઈનો તોડ કાઢવા ફેરફાર કરાયા પણ લાગુ નહીં રાજ્ય સરકારો પોતાના આઇએએસ અધિકારીઓને મુક્ત કરવાની ના પાડતી હોવાથી તેનો તોડ શોધવા કેન્દ્ર સરકારે સેવા નિયમોમાં ૨ વર્ષ પહેલાં ફેરફાર કર્યા હતા. તે પ્રમાણે કેન્દ્ર સરકાર કોઈ પણ અધિકારીને રાજ્ય સરકારની મંજૂરી ન હોય તોપણ એક નિશ્ચિત સમય માટે ડેપ્યુટેશન પર બોલાવી શકે છે. મે, ૨૦૨૪માં આ ફેરફાર અંગે ભાસ્કર વતીથી કરાયેલી આરટીઆઇના જવાબમાં કર્મચારી વિભાગે જણાવ્યું હતું કે વિવિધ રાજ્યોએ આ ફેરફાર અંગે મંતવ્યો આપ્યાં છે. ફેરફાર લાગુ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

૩. લેટરલ એન્ટ્રી… અનામત ક્વોટાને કારણે ગૂંચ થઈ, ટૂંક સમયમાં ભરતીઓની સંભાવના ઘણી ઓછી આઇએએસ અધિકારીઓની ઘટ દૂર કરવા માટે ૬ વર્ષ પહેલાં સરકારે લેટરલ એન્ટ્રી સ્કીમ શરૂ કરી હતી. તેને પગલે અત્યાર સુધીમાં ૬૩ અધિકારીની ભરતી થઈ છે. યુપીએસસીએ ૧૭ ઑગસ્ટે ૪૫ જગ્યા માટે ભરતી કાઢી હતી ત્યારે વિપક્ષે અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો. વાસ્તવમાં લેટરલ એન્ટ્રીમાં એસસી, એસટી, ઓબીસી અને ઈબીસી અનામતની જોગવાઈ નથી. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ તેનો વિરોધ કર્યો હતો. છેવટે યુપીએસસીએ ભરતી રદ કરી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે હવે ટૂંક સમયમાં સરકાર વતીથી અનામત ક્વોટા સાથે લેટરલ ભરતી યોજવાની શક્યતા નહિવત્ છે.