મુંબઇ, ઓટીટી પ્લેટફોર્મ નેટલિક્સ પર દિલ્હી ક્રાઈમ વેબ સિરીઝમાં પોતાના ઉમદા અભિનય થકી દર્શકોના દિલમાં વસી જનારી એક્ટ્રેસ શેફાલી શાહ બૉલિવૂડની ઉમદા અભિનેત્રી છે. અત્યાર સુધીમાં શેફાલીએ જે પણ ભૂમિકા ભજવી છે, તેના દર્શકો અને ફિલ્મ ક્રિટીક દ્વારા વખાણ કરવામાં આવ્યા છે. બૉલિવૂડમાં અમિતાભ બચ્ચન, અક્ષયકુમારથી લઈને રણવીર સિંહ જેવા અનેક એ-લિસ્ટર્સ સ્ટાર્સ સાથે શેફાલી શાહ કામ કરી ચૂકી છે. તાજેતરમાં જ શેફાલી શાહે એક ઈન્ટર્વ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે, તે બૉલિવૂડના ખિલાડી અક્ષયકુમારની માતાની ભૂમિકા ઓનસ્ક્રીન ફરી ક્યારેય નહીં ભજવે.
હકીક્તમાં શેફાલી શાહે વાતચીત દરમિયાન ફિલ્મના સેટ્સ પર માહોલને લઈને વાત કરી હતી. મોટા-મોટા સ્ટાર્સ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? આ પ્રશ્ર્નનો જવાબ આપતા અભિનેત્રીએ સ્પષ્ટ કહ્યું કે, તે ફરીથી ક્યારેય અક્ષયકુમારની ઑનસ્ક્રીન માતાની ભૂમિકા નહીં ભજવે. જો કે તે સમયે આ ભૂમિકા ભજવવાનું કારણ હતુ, પરંતુ હવે હું વચન આપું છું કે, ક્યારેય ઑનસ્ક્રિન અક્ષયકુમારની માતાની ભૂમિકામાં નહીં જોવા મળુ.
જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૫માં રિલીઝ થયેલી વક્ત-ધી રેસ અગેઈન ટાઈમ્સમાં શેફાલી શાહે અક્ષયકુમારની માતા અને પ્રિયંકા ચોપરાની સાસુની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં જ શેફાલી બૉલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકામાં જોવા મળી હતી. ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો, શેફાલી શાહ અક્ષયકુમારની સરખામણીમાં ઘણી નાની છે. જો કે ફિલ્મમાં શેફાલી શાહે અક્ષયકુમારની માતાની ભૂમિકા ભજવી હતી, જેને લઈને અભિનેત્રીએ હવે સ્પષ્ટતા કરી છે.