કેન્દ્રના કર્મચારીઓ દ્વારા પોતાની કે પરિવારના સભ્યોના નામની સ્થાવર અને જંગમ મિલ્ક્તોની લેતી દેતીની માહિતી વિભાગને આપવામાં નહી આવે તો કાનૂન અને ન્યાય મંત્રાલય કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે.મંત્રાલયે દરેક કર્મચારીઓ અને અધિકારીઓને આ અંગેની માહિતી સક્ષમ ઓથોરિટીને આપવા કહ્યું છે. સાથે જ ચેતવણી આપી છે કે, હુકમનો અમલ ન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મંત્રાલયની વિજીલન્સ બ્રાન્ચે કેન્દ્રીય સીવીલ સેવા સીસીએચ અને નિયમનના કાયદા ૧૮ ના પેટા નિયમ (૨)ની જોગવાઈઓ હેઠળ ગત સપ્તાહે નવો હુકમ જાહેર કર્યો છે.તેમાં મંત્રાલયે કહ્યું છે કે, આ નિયમોમાં સામેલ થતા દરેક કર્મચારીએ પોતાના કે પરિવારજનોના નામ પર રહેલી સ્થાવર સંપતિની કોઈપણ પ્રકારની લેતી દેતી કરતા પહેલા સક્ષમ ઓથોરિટીને રિપોર્ટ આપવો જરૂરી છે.એટલું જ નહી મંત્રાલયે એવુ પણ કહ્યું છે કે, જો લેતી દેતી કોઈ એવા વ્યક્તિ સાથે થઈ રહી હોય જેને સરકાર કે સરકારી કર્મચારી સાથે કોઈ સતાવાર લેતી દેતી હોય તો કર્મચારીએ આ માટે ઓથોરિટીની મંજુરી લેવી જરૂરી બનશે.
હુકમમાં એવું પણ કહેવાયુ છે કે, સીસીએચના પેટા નિયમ (૩)માં એવી જોગવાઈ છે કે જો કોઈ સરકારી કર્મચારી જંગમ મિલ્ક્તની લેતી દેતી કરે તો તેણે એક મહિનામાં ઓથોરિટીને જાણ કરવી પડશે. અચલ સંપતિની જેમ ચલ સંપતિના મામલામાં પણ જો કોઈ એવી લેતી દેતી કરવામાં આવે જેમાં સરકારી કર્મચારી સાથે નાણાકીય વ્યવહાર હોય તો તેના અંગે પણ એક માસમાં મંજુરી લેવી પડશે.