હવે ગોધરા તાલુકા સેવા સદન સંકુલ કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે મોકળું મેદાન

તાલુકા પંચાયત- મામલતદાર- પ્રાંત કચેરીના સંકુલમાં જોય ઈ બાઈક કંપનીએ માર્કેટિંગ વેચાણ માટે સ્ટેન્ડ ઊભું કર્યું. વગર પરવાનગીએ બેરોકટોક લાભાર્થીઓ સાથે વાતચીત સાથેના સોદા પાર પડાતા તંત્ર ઊંઘતું ઝડપાયું. હવે ધંધાદારી પ્રવૃત્તિઓ માટે સરકારી કચેરીના સંકુલમાં જાણે તંત્રએ જાતે છૂટ્ટો દૌર આપ્યો હોય તેમ મોકળું મેદાન મળતા ગોધરા તાલુકા પંચાયત- મામલતદાર- પ્રાંત કચેરીના સંકુલમાં છેલ્લા કેટલાક સમયથી જોય ઈ- બાઈક કંપનીના એજન્સી વગર પરવાનગીએ જાહેરાત વેચાણ માટેનું સ્ટેન્ડ ઊભું કરી બેરોકટોક લાભાર્થીઓ સાથે વાતચીત સાથેના સોદા પાર પડાઈ રહ્યાનુ જોવા મળતા તંત્ર ઊંઘતું ઝડપાયું છે. બે-બે સિક્યુરિટી ગાર્ડ ખડે પગે હોવા છતાં પણ જાણે કેમ આંખ આડા કાન કરવાની દોષિત નીતિ સામે જાગૃત મુલાકાતીઓને પણ આશ્ર્ચર્યમાં મૂકે છે.

ગોધરા શહેરમાં આવેલી કોર્ટની સામે તાલુકા સેવાસદન સંકુલ આવેલું છે. આ સંકુલમાં તાલુકા પંચાયત ,મામલતદાર કચેરી પ્રાંત કચેરી આવેલી છે. જેમાં રોજિંદા મોટી સંખ્યામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માંથી વિવિધ સરકારી કામે અરજદારો આવતા જતા રહેવાથી દિનભર ભીડભાડ જામે છે. પરંતુ અહીં જામતી અરજદારોની તથા મુલાકાતીઓની ભારે ભીડની તક ઉઠાવી આર્થિક લાભ મેળવવા માટે હવે કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા લાલચુ સંચાલકોની નજર આ ખુલ્લી સરકારી સંકુલમાં પડી છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ગોધરા તાલુકા સેવા સદન સ્થિત તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના સંકુલમાં જોય ઈ-બાઈક નામની કંપનીના એજન્સીના માર્કેટિંગ વિભાગના કર્મચારીઓએ સરકારી ઉચ્ચ અધિકારીઓની કોઈપણ જાતની પરમિશન લીધા વિના ગેરકાનૂની પ્રવેશ કરીને કંપનીનુ વેચાણ સ્ટેન્ડ ઊભું કરી દીધું છે.

એટલુ જ નહિ આવતા જતા અરજદારો મુલાકાતીઓને રોકીને જોય ઈ-બાઈક કંપનીની જાહેરાત કરીને સ્કીમ હેઠળ યુવાનો મહિલાઓને બળજબરીપૂવેક ઉભા રાખી વાતચીત સાથે વેચાણ સોદા કરી રહ્યા હોવાથી ખૂબ નારાજગી છવાઈ છે. આ જોય ઈ-બાઈક કંપની દ્વારા રાતોરાત માર્કેટિંગ સ્ટેન્ડ ઊભું કરવું કેટલાં અંશે વ્યાજબી છે. તેઓને ખબર હોવી જોઈએ કે સરકારી નિયમ પ્રમાણે સરકારી કચેરી ધરાવતા સંકુલમાં ખાનગી કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરવાની મનાઈ છે અને ગુના પાત્ર છે, તેમ છતાં શિક્ષિત કર્મચારીઓ દ્વારા કાયદાનો ડર રાખ્યા વિના બેરોકટોક જાહેરાત વેચાણ કરવાનું પ્લેટફોર્મ બનાવી દેતા પસાર થતા જાગૃત અરજદારોમાં અચરજ ફેલાયું છે.

એક તરફ કોઈ સામાન્ય નિયમ ભંગ કરવા બદલ સામાન્ય માણસ સામે તંત્ર દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, તો બીજી તરફ કચેરી ખાતે પસાર થતા અધિકારી વગે તથા કમેચારીઓ આવી કોમર્શિયલ એકટીવીટી સામે આંખ આડા કાન કરી ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી પરોક્ષપણે મદદગારી કરી રહ્યાનુ જોવા મળે છે. તદ્દઉપરાંત અહીં બે જેટલા ખડેપગે સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હોવા છતાં તે સ્થળથી એકાદ-બે મીટર દૂર ઊભું કરાયેલ કોમર્શિયલ સ્ટેન્ડ નજરોનજર જોવા છતાં કયા કારણોસર જોય ઈ-બાઈક કંપનીના માર્કેટિંગ કમેચારીઓને અન્યત્ર ભગાવી ન મૂક્યા તે સમજાતું નથી. આ દલા તરવાડી જેવો ખાડે ગયેલ વહિવટ કરનાર તંત્ર દ્વારા તેઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ તે પગલાં અંગે પ્રજાની નજર મંડાઇ છે.