હવે ગામડે-ગામડે સસ્તી દવાઓ મળશે,સૌથી મોંઘી દવાઓ પણ સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ થવી જોઈએ એ અમારી સરકારની પ્રાથમિક્તાઓમાંની એક : મોદી

નવીદિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા દવાઓની કિંમતને લઈ સામાન્યને માણસને મોટી રાહત આપવામાં આવી છે. વાત જાણે એમ છે કે, હવે દેશના ગામડે-ગામડે સસ્તી દવાઓ મળશે. મહત્વનું છે કે, દવાઓની કિંમત દેશના દરેક વર્ગને અસર કરે છે. કારણ કે કોઈપણ બીમાર થઈ શકે છે. સરકારના અભિયાન હેઠળ તમને મોંઘી દવાઓ ખરીદવાથી છુટકારો મળશે. સરકારે જાહેરાત કરી છે કે, દેશભરમાં ૨૦૦૦ જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે. જેના પર ૯૦ ટકા સુધી સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સરકારના જણાવ્યા અનુસાર, દેશની તમામ સરકારી સમિતિઓમાં આ દવા કેન્દ્રો ખોલવામાં આવશે. જેથી જરૂરિયાતમંદ અને ખેડૂતો ત્યાંથી દવાઓ ખરીદી શકે અને તેમના સ્વાસ્થ્યની કાળજી લઈ શકે. સહકાર મંત્રી અમિત શાહ અને રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે યોજાયેલી બેઠકમાં દેશભરમાં ૨૦૦૦ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલવા પર સહમતિ બની છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓગસ્ટ સુધીમાં જ ૧૦૦૦ કેન્દ્રો ખોલવામાં આવ્યા હશે.

વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં તમામ ૨૦૦૦ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે. જેથી લોકોને મોંઘી દવાઓ ખરીદવાથી છુટકારો મળી શકે. ખરેખર ઘણી વખત ગરીબ લોકો પાસે મોંઘી દવાઓ ખરીદવાના પૈસા પણ નથી હોતા. જેના કારણે તેમની સારવાર શક્ય નથી. આવા લોકોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, આજે સહકારી ક્ષેત્રને લગતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે પીએસીએસ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર ખોલી શકશે. આનાથી પીએસીએસ સાથે જોડાયેલા લોકોની આવકમાં વધારો થશે અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો ઓછી કિંમતે દવાઓ મેળવી શકશે. સહકારી ક્ષેત્રને સશક્ત બનાવીને મોદી સરકાર તેની સાથે સંકળાયેલા કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે.

આ તરફ અમિત શાહના ટ્વિટને રિટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશભરમાં સૌથી મોંઘી દવાઓ પણ સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ થવી જોઈએ એ અમારી સરકારની પ્રાથમિક્તાઓમાંની એક છે. મને પૂરો વિશ્ર્વાસ છે કે, સહકારી ક્ષેત્રની આ મોટી પહેલ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન સરળ બનાવશે. સહકાર મંત્રાલયે કહ્યું, આ મહત્વપૂર્ણ નિર્ણયથી માત્ર પેક્સ સોસાયટીઓની આવક અને રોજગારીની તકો વધશે નહીં, પરંતુ દવાઓ પણ લોકોને પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે. ૯,૪૦૦ જન ઔષધિ કેન્દ્રો પહેલેથી જ અસ્તિત્વમાં છે. જેના પર ૯૦% સુધી સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. માહિતી અનુસાર, આ કેન્દ્રો પર દર્દીઓને વિવિધ રોગોમાં વપરાતી લગભગ ૧૮૦૦ પ્રકારની દવાઓ ઉપલબ્ધ થશે.

મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજદાર પાસે ઓછામાં ઓછી ૧૨૦ ચોરસ ફૂટ જગ્યા હોવી જરૂરી છે. ભારતીય નાગરિક રૂ.૫૦૦૦ની અરજી ફી ભરીને તેના નગર કે શહેરમાં અરજી કરી શકે છે. આ પછી સરકારી ટીમ તમારી દુકાનનું નિરીક્ષણ કરશે. જો બધું યોગ્ય જણાય તો ઉમેદવારોને દવા કેન્દ્ર ખોલવાનું લાયસન્સ મળશે. તે ધ્યાનમાં રાખવું જોઈએ કે જેઓ કેન્દ્ર ખોલે છે તેમની પાસે ફાર્માસિસ્ટમાં ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી આવશ્યક છે.