હવે ઇપીએફઓમાં જન્મતારીખ સુધારવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાશે નહીં

નવીદિલ્હી, શ્રમ મંત્રાલય હેઠળના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓ એ આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે ઇપીએફઓમાં કોઈપણ કામ માટે જન્મતારીખના પુરાવા તરીકે આધાર કાર્ડની માન્યતા બંધ કરી દેવામાં આવી છે. મતલબ કે હવે ’આધાર કાર્ડ’નો ઉપયોગ જન્મતારીખ અપડેટ કરવા કે તેમાં કોઈ ભૂલ સુધારવા માટે થઈ શકશે નહીં.ઇપીએફઓએ તેના માન્ય દસ્તાવેજોની યાદીમાંથી આધાર કાર્ડ કાઢી નાખ્યું છે.

૧૬ જાન્યુઆરીના રોજ ’કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન’ દ્વારા આ સંબંધમાં એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા યુઆઇડીએઆઇને આધાર કાર્ડ અંગે ઉપરોક્ત સૂચનાઓ આપવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ ઇપીએફઓએ જન્મતારીખમાં ફેરફાર માટે આધાર કાર્ડની માન્યતા રોકવાનો નિર્ણય લીધો છે. આ પછી, આધાર કાર્ડને ઇપીએફઓના માન્ય દસ્તાવેજોની સૂચિમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

ઇપીએફઓ અનુસાર, જન્મતારીખના પુરાવા તરીકે ૧૦મા ધોરણના પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહીં, કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવસટી દ્વારા જારી કરાયેલ માર્કશીટનો પણ આ હેતુ માટે ઉપયોગ કરી શકાય છે. શાળા છોડવાના પ્રમાણપત્ર અને ટ્રાન્સફર પ્રમાણપત્ર દ્વારા જન્મ તારીખ પણ બદલી શકાય છે. એટલું જ નહીં, જો સિવિલ સર્જને એવું કોઈ મેડિકલ સટફિકેટ જારી કર્યું છે જેમાં જન્મ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો ઇપીએફઓ તેને પણ માન્યતા આપશે. આ ઉપરાંત પાસપોર્ટ, પાન નંબર, ડોમિસાઇલ સટફિકેટ અને પેન્શન દસ્તાવેજને પણ માન્યતા આપવામાં આવી છે. આધાર કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખ કાર્ડ અને રહેઠાણના પુરાવા તરીકે કરવો જોઈએ.

૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે અને ક્યાં તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બેંક ખાતા અને મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી. યુજીસી,સીબીએસઇ,એનઆઇએફટી અને કોલેજો વગેરે જેવી સંસ્થાઓ આધાર કાર્ડ પર લખેલા નંબરની માંગ કરી શક્તી નથી. શાળામાં પ્રવેશ માટે આધાર નંબરનો ઉપયોગ જરૂરી રહેશે નહીં. બાળકનું આધાર અપડેટ થયેલું નથી એ હકીક્તનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ નકારવાના કારણ તરીકે કરી શકાતો નથી. ખાનગી કંપનીઓ આધાર કાર્ડની માંગણી કરી શકશે નહીં. તે સમયે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. ભૂષણે કહ્યું કે, આ એક એવો નિર્ણય છે જે સામાન્ય માણસને રાહત આપે છે. ખાનગી કંપનીઓ આધાર કાર્ડની માંગ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે બેંકો અને ટેલિકોમમાં આધાર કાર્ડને ગેરબંધારણીય જાહેર કર્યું છે.