હવે દિલ્હી મેટ્રોમાં દારૂની બોટલો લઈ પ્રવાસ કરી શકાશે

નવીદિલ્હી, દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો હવે પોતાની સાથે દારૂની બોટલો લઈ જઈ શકશે. સીઆઇએસએફ અને મેટ્રો અધિકારીઓની કમિટીએ આ અંગે નિર્ણય લીધો છે. અત્યાર સુધી મેટ્રોની એરપોર્ટ લાઇન પર જ દારૂની બોટલ લઇ જવાની છૂટ હતી. હવે નવા નિર્ણયમાં આ સુવિધા દિલ્હીની તમામ મેટ્રો લાઇન પર મુસાફરો માટે ઉપલબ્ધ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરો પોતાની સાથે દારૂની બે બોટલ લઈ જઈ શકશે. પરંતુ, દારૂની બોટલો સંપૂર્ણપણે સીલ કરેલી એટલે કે પેક કરેલી હોવી જોઈએ.

ડીએમઆરસીએ પણ આ અંગે પોતાનું સત્તાવાર નિવેદન આપ્યું છે. ડીએમઆરસીના અધિકારીઓએ કહ્યું છે કે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર મુસાફરોને આ સુવિધા પહેલાથી જ આપવામાં આવી રહી હતી. પરંતુ, હવે તમામ મેટ્રો લાઈનો પર મુસાફરો પોતાની સાથે દારૂની બોટલ લઈ જઈ શકશે.

નવા આદેશને લાગુ કરવા માટે, સીઆઇએસએફ અને ડીએમઆરસી અધિકારીઓની સમિતિએ અગાઉના આદેશની સમીક્ષા કરી હતી. અગાઉના આદેશ મુજબ, એરપોર્ટ એક્સપ્રેસ લાઇન સિવાય દિલ્હી મેટ્રોમાં દારૂના વહન પર પ્રતિબંધ હતો. જો કે, મેટ્રો પરિસરમાં દારૂ પીવા પર હજુ પણ સખત પ્રતિબંધ છે. ડીએમઆરસીએ કહ્યું છે કે મેટ્રો મુસાફરોને મુસાફરી કરતી વખતે યોગ્ય શિષ્ટાચાર જાળવવા વિનંતી કરવામાં આવે છે. જો કોઈ મુસાફર દારૂના નશામાં ગેરવર્તન કરતો જોવા મળશે તો કાયદાની જોગવાઈઓ હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીઓએ કહ્યું છે કે ડીએમઆરસી મેટ્રો મુસાફરોની મુસાફરી પહેલા કરતા વધુ સરળ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ડીએમઆરસીએ પેપર ટિકિટની સુવિધા શરૂ કરી છે. આમાં મુસાફરો પૈસા ચૂકવીને પેપર ટિકિટ ખરીદે છે, જેના પર એક કયુઆર કોડ પ્રિન્ટ થાય છે. યાત્રી ટિકિટ પરનો કયુઆર કોડ સ્કેન કરીને સ્ટેશનમાં પ્રવેશ મેળવે છે. આ પછી, તેની મુસાફરી પૂર્ણ કર્યા પછી, તે આ કોડ દ્વારા સ્ટેશનથી પણ નીકળે છે. અગાઉ મુસાફરોને મુસાફરી માટે ટોકન ખરીદવા પડતા હતા. જેના માટે મેટ્રો સ્ટેશનો પર ટોકન મશીન લગાવવામાં આવ્યા છે.