સીમા અને અંજુ બાદ વધુ એક યુવતી સરહદ પાર કરીને તેના પ્રેમી પાસે પહોંચી છે. આ વખતે ચીનની એક યુવતી તેના બોયફ્રેન્ડને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચી હતી. 21 વર્ષીય ગાઓ ફેંગ 3 મહિનાના વિઝિટર વિઝા સાથે ગિલગિટ થઈને પાકિસ્તાન પહોંચી છે.
ગાઓનો બોયફ્રેન્ડ જાવેદ (18) અફઘાનિસ્તાન બોર્ડર પાસે આવેલા બાજૌરનો રહેવાસી છે. તે ગાઓ ફેંગને લેવા ઈસ્લામાબાદ ગયો હતો. ત્યાંથી તે તેની પ્રેમિકાને પોતાના મામાના ઘરે લઈ ગયો હતો. પોલીસનું કહેવું છે કે બંનેની સ્નેપચેટ પર મિત્રતા થઈ હતી, ત્યારબાદ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
જાવેદના સગા ઇજ્જતુલ્લાએ જણાવ્યું કે જાવેદ બાજૌર ડિગ્રી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સનો કોર્સ કરી રહ્યો છે અને ચીનમાં ગાઓ સાથે કોર્ટ મેરેજ પણ કરશે. પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. ઇજ્જતુલ્લાએ કહ્યું, ગાઓ થોડા દિવસોમાં ચીન પરત ફરશે, જ્યારે જાવેદ પાકિસ્તાનમાં જ રહેશે. જાવેદે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી ચીન જશે, જેમાં લગભગ એક વર્ષ લાગશે. આ દરમિયાન જિલ્લા પોલીસ અધિકારી ઝિયાઉદ્દીને મીડિયાને જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે.
ગ્વાલિયરની રહેવાસી અંજુ થોમસ 21 જુલાઈએ રાજસ્થાનના ભીવાડીથી પાકિસ્તાનના દીરબાલા પહોંચી હતી. 34 વર્ષની અંજુ તેના 29 વર્ષીય બોયફ્રેન્ડ નસરુલ્લાહ સાથે પાકિસ્તાનમાં રહે છે.
તેણે ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામનો સ્વિકાર કર્યો અને તેનું નામ બદલીને ફાતિમા રાખ્યું. 2019માં બંને વચ્ચે ફેસબુક પર મિત્રતા થઈ હતી. અંજુના આ બીજા લગ્ન છે, તે બે બાળકોની માતા પણ છે. તેના પિતાએ મીડિયાને કહ્યું કે હવે અંજુ તેના માટે મરી ગઈ છે.
સીમા ગુલામ હૈદર તેના 4 બાળકો સાથે પાકિસ્તાનથી ભાગીને ભારત આવી હતી. આ બંનેની લવ સ્ટોરી પણ ઘણી હેડલાઇન્સમાં રહી છે. સીમા પાકિસ્તાનથી નેપાળ થઈને ભારત આવી હતી. તેમની મિત્રતા PUBG ગેમ રમતી વખતે થઈ હતી.
સીમાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે 13 મેના રોજ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. તેણે કહ્યું કે મેં સચિન સાથે નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા હતા. હિંદુ ધર્મ પણ અપનાવ્યો છે. આ પછી પણ દુનિયા પુરાવા માંગે છે તો હવે હું કોર્ટ મેરેજ કરીશ અને ગંગામાં સ્નાન પણ કરીશ.
પાકિસ્તાની સીમા હૈદર જાસૂસ છે કે નહીં, આ કોયડો ટૂંક સમયમાં ઉકેલાઈ જવાનો છે. સીમાના તૂટેલા મોબાઈલને ફોરેન્સિક તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે ડેટા રિકવર કરવામાં આવી રહ્યો છે. પોલીસ બે દિવસમાં રિપોર્ટ મેળવી શકે છે.