હવે ભાજપના નેતાએ સોનિયા ગાંધીને વિષકન્યા ગણાવ્યા, ચીન અને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યા

બેંગ્લુરુ,કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સાપવાળા નિવેદન બાદ હવે ભાજપ નેતાએ પણ વિવાદનું વંટોળ સર્જાય તેવું નિવેદન આપ્યું છે. ગુરુવારે જ્યા વડાપ્રધાન મોદીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝેરી સાપ ગણાવ્યા હતા તે પછી ઘણો વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે ભાજપના એક ધારાસભ્યએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિશે વાંધાજનક ટિપ્પણી કરી છે. રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટકના કોપ્પલમાં એક ભાષણ દરમિયાન બીજેપી ધારાસભ્ય બસનાગૌડા યાતનાલે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિશે અંગત ટિપ્પણી કરી અને તેમને ‘વિષ કન્યા’ (ઝેરી કન્યા) અને ચીન અને પાકિસ્તાનના એજન્ટ ગણાવ્યા.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હુમલાઓ વધી રહ્યા છે. પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ઝેરીલા સાપ સાથે કરીને તમામ હદો વટાવી દીધી હતી. તેમના આ નિવેદને બેઠા બેઠા ભાજપને એક મોટો મુદ્દો આપી દીધો. પણ હવે બીજેપી ધારાસભ્યએ સોનિયા ગાંધીને ઝેરી કન્યા કહીને વળતો જવાબ આપ્યો છે. કર્ણાટકના કોપ્પલમાં એક બેઠક દરમિયાન બીજેપી ધારાસભ્ય બસનાગૌડા યાતનાલે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર વ્યક્તિગત હુમલો કર્યો અને તેમને વિષકન્યા કહેવાની સાથે તેમને ચીન અને પાકિસ્તાનની એજન્ટ પણ ગણાવ્યા છે.

કોપ્પલમાં એક જનસભા દરમિયાન યતનાલે કહ્યું કે આખી દુનિયાએ પીએમ મોદીને સ્વીકાર્યા છે. અમેરિકાએ એક સમયે તેમને વિઝા આપવાની ના પાડી હતી. બાદમાં તેમણે રેડ કાર્પેટ પાથરીને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ખડગેના ‘ઝેરી સાપ’ના નિવેદન પર પલટવાર કરતા ધારાસભ્યએ કહ્યું કે હવે તે (ખડગે) તેમની (PM મોદી)ની તુલના સાપ સાથે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ઝેર કાઢશે. જે પાર્ટીમાં તમે (ખડગે) ડાન્સ કરો છો તો તે પાર્ટીમાં શું સોનિયા ગાંધી વિષકન્યા છે? તેમણે એમ પણ કહ્યું કે સોનિયાએ ચીન અને પાકિસ્તાન સાથે તેમના એજન્ટ તરીકે કામ કર્યું હતું.

આ પહેલા કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- મોદી એક ઝેરીલા સાપ જેવા છે. તમે તેને ઝેર માનો કે ન માનો, પણ તેનો સ્વાદ ચાખશો તો મરી જશો. તમે વિચારતા હશો કે શું આ ખરેખર ઝેર છે? મોદી એક સારા વ્યક્તિ છે, અમે જોઈશું કે તેમણે શું આપ્યું છે. જલદી તમે તેને ચાટશો, તમે સંપૂર્ણ રીતે સૂઈ જશો. આ નિવેદન સામે આવ્યા બાદ ભાજપે તેમના નિવેદનની નિંદા કરી છે.