હવાઈ હુમલામાં હમાસનો નેશનલ સિક્યોરિટી ફોર્સનો ચીફ પરિવાર સહિત ઠાર

પેલેસ્ટાઈનમાં હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલને (Israel vs Hamas War) મોટી સફળતા મળી છે. અહેવાલ અનુસાર હમાસ નેશનલ સિક્યોરિટી ફોર્સનો વડો જેહાદ મેહેસેન ( Jehad Mheisen) અને તેનો આખો પરિવાર ઇઝરાયલી સેનાના હવાઈ હુમલામાં (Israel Air Strike) ઠાર મરાયો છે. ઇઝરાયલના સુરક્ષા દળોએ ગાઝા પટ્ટીમાં (Gaza) હમાસના અગ્રણી નેતા મહેસનના ઘર પર બોમ્બમારો કર્યો હતો અને તેને ધ્વસ્ત કરી નાખ્યો હતો જેમાં તેના સમગ્ર પરિવારનું મૃત્યુ થયું.

અહેવાલ અનુસાર આ હુમલો ગાઝાના શેખ રઝવાનમાં કરવામાં આવ્યો હતો. ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન રાષ્ટ્રીય સુરક્ષા દળોના કમાન્ડર મેજર જનરલ જેહાદ મહિસાન અને તેના પરિવારના સભ્યો શેખ રઝવાન વિસ્તારમાં પોતાના ઘર પર કરાયેલા બોમ્બમારામાં માર્યા ગયા હતા. હમાસ સમર્થક સૂત્રોએ આ અહેવાલોની પુષ્ટી કરી હતી.  

ગાઝા પટ્ટી પર ઈઝરાયેલી સેનાનો બોમ્બમારો ચાલુ છે. અહેવાલો અનુસાર ગુરુવારે જબાલિયામાં શરણાર્થી કેમ્પ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 18 પેલેસ્ટિની નાગરિકો માર્યા ગયા હતા. ગાઝામાં હમાસ સંચાલિત ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ ઉત્તરી ગાઝા પટ્ટીમાં જબાલિયા શરણાર્થી કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો. જેમાં 18 પેલેસ્ટાઈનના મોત થયા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 13 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને બાજુથી 5,000 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે લાખો પેલેસ્ટિની નાગરિકો વિસ્થાપિત થયા છે.