હત્યાના આરોપ બાદ સંજય રાઉતની સુરક્ષા વધી, એમએનએસ પ્રવક્તાએ પત્ર લખી કટાક્ષ કર્યો

મુંબઇ,

સંજય રાઉત નાસિકના પ્રવાસે છે. ગઈકાલે તેમણે સીએમ એકનાથ શિંદેના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદે પર આરોપ લગાવ્યો હતો કે તેણે થાણેના ગેંગસ્ટર રાજા ઠાકુરને મારી નાખવા સોપારી આપી છે.આપને જણાવી દઈએ કે,આ અંગે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ અને થાણેના પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો.જેને પગલે આજે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે થાણે પોલીસની છ સભ્યોની ટીમ તેની પૂછપરછ કરવા નાશિક રવાના થઈ ગઈ છે.

તો આ તરફ રાજ ઠાકરેની પાર્ટીના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ તેમને માનસિક શાંતિ માટે મેડિટેશન અને યોગ કરવાની સલાહ આપી છે. સંદીપ દેશપાંડેએ તેમને એક પત્ર લખીને સલાહ આપી હતી અને કહ્યું હતું કે, ‘હું તમારા માટે ચિંતિત છું, તેથી જ હું આ પત્ર લખી રહ્યો છું. છેલ્લા કેટલાક મહિનાઓથી તમારી ભાષાનું સ્તર ઘટી ગયું છે. તમે વધુ ને વધુ ચિડાઈ જાવ છો. તમે પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છો. જ્યારે તમારા મનમાં લાવવા માટે કંઈ જ ન હોય, ત્યારે મનનું સંતુલન બગડવા લાગે છે. કેટલીકવાર ડિપ્રેશનનો સામનો કરવો પડે છે. તમે ગમે તેટલો નકારો, પરંતુ આ બધા લક્ષણો તમારામાં દેખાય છે. મામલો કાબૂ બહાર જાય તે પહેલા તેની કાળજી લેવી જરૂરી છે.

તો વધુમાં સંદીપ દેશપાંડેએ લખ્યું છે કે, તમે જે રોજની પ્રેસ કોન્ફરન્સ કરો છો તેના બદલે બે દિવસમાં એકવાર મીડિયા ઇન્ટરેક્શન કરો. પછી ધીમે ધીમે અઠવાડિયામાં એકવાર મીડિયા સાથે વાત કરો. તમે આ કરી શકો છો કે નહીં તેના પર ધ્યાન આપો અને જો શક્ય હોય તો પ્રેસ કોન્ફરન્સના ૧૦-૧૫ મિનિટ પહેલા યોગ કરો. આ તમને થોડી રાહત આપી શકે છે.