હત્યા કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને રાહત, હાઇકોર્ટના નિર્દોષ છૂટવાનો નિર્ણય યથાવત

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે જેણે ૨૦૦૪માં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કરવા સામે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. આ કેસ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં વર્ષ ૨૦૦૦માં પ્રભાત ગુપ્તાની હત્યાનો છે.

બે સભ્યોની બેન્ચે જણાવ્યું હતું કે તે હાઈકોર્ટની લખનૌ બેન્ચ અને ટ્રાયલ કોર્ટ દ્વારા નોંધાયેલા તથ્યોના તારણોમાં દખલ કરવા માટે તૈયાર નથી. ખંડપીઠે ૮મી જાન્યુઆરીએ આપેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે અરજદાર તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલની વિગતવાર સુનાવણી અને રેકોર્ડ પર મૂકવામાં આવેલી સામગ્રીનો અભ્યાસ કર્યા પછી, અમે બંને અદાલતો દ્વારા નોંધાયેલા તથ્યોમાં દખલ કરવા માટે તૈયાર નથી. નોંધનીય છે કે ટ્રાયલ કોર્ટે ૨૦૦૪માં અજય મિશ્રાને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા, ત્યારબાદ રાજ્ય સરકારે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટ મે ૨૦૨૩ના હાઈકોર્ટના આદેશને પડકારતી અરર્જીક્તા રાજીવ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં કોઈ ભૂલ નથી. અગાઉ, કેન્દ્રીય મંત્રીએ સુપ્રીમ કોર્ટમાં અરજી હાઇકોર્ટની લખનૌ બેંચમાંથી પ્રયાગરાજની મુખ્ય બેંચમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. નોંધનીય છે કે ટિકુનિયા વિસ્તારમાં ગોળી મારીને હત્યાના સંદર્ભમાં લખીમપુરમાં નોંધાયેલી એફઆઈઆરમાં અજય મિશ્રા અને અન્ય લોકોના નામ સામેલ હતા. લખીમપુર ખેરીના વધારાના સેશન્સ જજે ૨૦૦૪માં અજય મિશ્રા અને અન્ય લોકોને અપૂરતા પુરાવાને કારણે આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. મૃતકના પરિવારે ચુકાદાને પડકારતી એક અલગ રિવિઝન પિટિશન દાખલ કરી હતી.