- ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ
હાથરસ નાસભાગની ઘટનાનો મામલો અલ્હાબાદ હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ૫ સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત હાથરસ ઘટના પર યુપીની યોગી સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટની પણ માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ આ પીઆઈએલ દાખલ કરી છે. તેમની પીઆઈએલમાં, તેમણે હાથરસ ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. તેમજ પીઆઈએલમાં આ પ્રકારના કાર્યક્રમોના આયોજન માટે ગાઈડલાઈન બનાવવાની માંગ કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે સુપ્રીમ કોર્ટ આ અરજી પર ક્યારે સુનાવણી કરવા તૈયાર થાય છે. એવી અપેક્ષા છે કે સુપ્રીમ કોર્ટ આ અરજી પર આજે અથવા કાલે સુનાવણી કરશે.
આ સાથે જ હાથરસ નાસભાગની ઘટનાનો મામલો પણ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં હાથરસ ઘટનાની સીબીઆઈ દ્વારા તપાસ અથવા ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં મોત માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. એડવોકેટ ગૌરવ દ્વિવેદીએ ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીને પત્ર પિટિશન મોકલી છે.
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં નાસભાગની ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૨૧ થયો છે. રાજ્યના રાહત કમિશનરની કચેરીએ બુધવારે આ માહિતી આપી હતી. રાહત કમિશનરની ઓફિસના જણાવ્યા અનુસાર મૃતકોમાં મોટાભાગની મહિલાઓ છે. મોટાભાગના અનુયાયીઓ ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. તાજેતરના વર્ષોમાં બનેલી આ સૌથી મોટી દુર્ઘટના છે. કેટલાક લોકો કહે છે કે ઉપદેશકની કારની પાછળ દોડતી વખતે લોકો કાદવમાં લપસી ગયા હતા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.
હાથરસ જિલ્લાના ફુલરાઈ ગામમાં બાબા નારાયણ હરિ દ્વારા આયોજિત સત્સંગમાં ભાગ લેવા લાખો અનુયાયીઓ આવ્યા હતા. બાબા નારાયણ હરિ, સાકર વિશ્વ હરિ ભોલે બાબા તરીકે પણ લોકપ્રિય છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે મંગળવારે કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ૧૧૬ હતો, જેમાં સાત બાળકો, એક પુરુષ અને બાકીની મહિલાઓ હતી. રાહત કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની યાદી અનુસાર, મૃત્યુઆંક વધીને ૧૨૧ થઈ ગયો છે, જેમાંથી ૧૯ની હજુ ઓળખ થઈ શકી નથી. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે અને લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે.