હથિયાર ખરીદી કૌભાંડ મામલે વધુ 16 ઝડપાયા:ATSએ મુખ્ય આરોપી શોકત અલીને પણ દબોચ્યો, તમામ પાસેથી 15 હથિયાર અને 498 રાઉન્ડ જપ્ત કરાયાં

ગુજરાત ATSએ નકલી ડોક્યુમેન્ટના આધારે લાઇસન્સ મેળવીને હથિયાર ખરીદવાનું કૌભાંડ ઝડપ્યું હતું. અગાઉ 7 એજન્ટ, ત્યાર બાદ હથિયાર ખરીદનારા 16 આરોપી અને આજે(12 એપ્રિલ) બીજા વધુ 16 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત હથિયાર કેસમાં મુખ્ય આરોપી શોકત અલીની ધરપકડ કરી છે.16 આરોપી પાસેથી 15 હથિયાર અને 489 રાઉન્ડ કરવામાં આવ્યાં છે.

મુખ્ય આરોપી શોકત અલી સહિત 16 ઝડપાયા ATSએ હથિયારના કેસમાં વધુ 16 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત હથિયારકૌભાંડના મુખ્ય આરોપી શોકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી છે. શોકત ગુજરાતના મુખ્ય સાત એજન્ટના સંપર્કમાં હતો. એજન્ટ દ્વારા અન્ય આરોપીઓને હથિયાર આપતો હતો. હથિયાર માટે 19 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી છે. ATSએ ઝડપેલા 16 આરોપી પાસેથી 8 રિવોલ્વર, 2 પિસ્તોલ, 5 બાર બોર ગન સહિત 15 હથિયાર અને 489 રાઉન્ડ કબજે કરવામાં આવ્યાં છે.

શોકત અલી ગન હાઉસ ચલાવતો હતો અત્યારસુધી આ કેસમાં 40 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી શોકત પણ ઝડપાઈ ચૂક્યો છે. શોકત પોતાનું ગન હાઉસ ચલાવતો હતો. તેની ગન વધુ વેચાય એ માટે ગુજરાતમાંથી જે ગ્રાહકો આવતા તેને બોગસ લાઇસન્સ અપાવતો હતો. આ કેસમાં સોકત સિવાય હજુ બે આરોપી સંડોવાયેલા છે, જેની તપાસ ચાલી રહી છે.

આજે ઝડપાયેલા 16 આરોપીનાં નામ અનિલ રાવલ અરજણ ભરવાડ ભરત ભરવાડ દેવલ ભરવાડ જનક પટેલ જય પટેલ જગદીશ ભૂવા લાખા ભરવાડ મનીષ રૈયાણી નિતેશ મેર રમેશ ભરવાડ રિશી દેસાઈ સમીર ગધેથરિયા વિરાજ ભરવાડ઼ વિરમ ભરવાડ

હથિયાર કૌભાંડમાં ઝડપાયેલો વિશાલ પંડ્યા VHPનો કાર્યકર ગુજરાત ATSએ સુરેન્દ્રનગર, અમદાવાદ અને સુરતમાંથી ગેરકાયદે હથિયાર અને લાઇસન્સપ્રકરણમાં મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. આ કૌભાંડમાં અત્યારસુધીમાં 20થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એમાં પણ હવે આ આરોપીઓના પોલિટિકલ સંબંધ હોવાનું સામે આવી રહ્યું છે. હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદમાં થોડા સમય પહેલાં પાલડીના વણીકર ભવનના નવીનીકરણનું ખાતમુહૂર્ત હતું. એ સમયે મોટા ગજાના નેતાઓ પણ ત્યાં હાજર હતા અને અલગ અલગ દાતાઓના નામની જાહેરાત થઈ હતી. ત્યારે એક નામ તેમાં વિશાલ પંડ્યાનું હતું. આ વિશાલ પંડ્યા VHPનો કાર્યકર છે અને હાલ તે હથિયારોના કૌભાંડમાં ATSની પકડમાં છે.

વિશાલ પંડ્યાએ 4 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી વિશાલ પંડ્યા થોડા સમય પહેલાં જ VHPમાં જોડાયો હોવાનું VHPના કાર્યકરો જ કહી રહ્યા છે. ત્યારે આરોપીના નામે મુહૂર્ત સમયે ભવનના નવીનીકરણ માટે 4 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરતાં તેનું નામ દાતાઓના લિસ્ટમાં લેવાયું હતું અને લોકોએ તાળીઓ પાડીને તેને વધાવ્યું પણ હતું. એ સમયે બધા એના બેગ્રાઉન્ડથી અજાણ હોય એવું કહી શકાય.

વિશાલ પંડ્યાની ધરપકડથી તેના પરિચિત લોકો ફફડી ઊઠ્યા ગુજારત ATSએ અન્ય રાજ્યના લાઇસન્સ ખરીદીને હથિયારો ખરીદવાના પ્રકરણમાં જ્યારે વિશાલ પંડ્યાની ધરપકડ કરી ત્યારે તેના પરિચિત લોકો ફફડી ઊઠ્યા હતા અને હવે તેનાથી છેડો ફાડવા માટે આમતેમ ફરી રહ્યા છે.

જે દાનની જાહેરાત કરી હતી એમાંથી કોઈ રૂપિયો આવ્યો નથી આ સમગ્ર પ્રકરણ અંગે વિશ્વ હિન્દુ પરિષદના અશોક રાવલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, થોડા મહિના પહેલાં તે VHPમાં જોડાયો હતો. તે VHPનો કાર્યકર છે. એ સમયે જે દાનની જાહેરાત કરી હતી એમાંથી હજી સુધી કોઇ રૂપિયો આવ્યો નથી.

‘એક કરોડ તો જમા પણ કરાવી દીધા’ તો બીજી તરફ 11 ડિસેમ્બર 2024ના વણીકર ભવનના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન દાતાઓનાં નામની જાહેરાત કરાઈ રહી હતી એ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે જેનું નામ વિશાલ છે એવું વિશાળ દાન આવ્યું છે. વિશાલભાઈ પંડ્યા અને ભાવિનભાઈ મહેતા આ નવા ભવનના નિર્માણમાં 4 કરોડનું દાન જાહેર કરે છે. એક કરોડ તો જમા પણ કરાવી દીધા.

હથિયારોનું બોગસ લાઇસન્સ મેળવનારા 16 અરેસ્ટ ગુજરાતમાં નાગાલેન્ડના બોગસ હથિયાર લાઇસન્સ મેળવવાના મામલે ATSએ વધુ 16 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 15 હથિયાર સાથે 489 કારતૂસ કબજે કરવામાં આવ્યાં છે. આ પ્રકરણમાં આરોપીઓનો આંકડો વધી શકે છે એવું ATS પાસેથી જાણવા મળી રહ્યું છે. ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ હથિયારના શોખીન છે, જેમણે 50 હજારથી 10 લાખ સુધીના રૂપિયા ચૂકવી બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યા હતા.