હાથરસ કેસમાં નવો વળાંક, પીડિતાના ભાઈ અને આરોપી વચ્ચે 100થી વધુ વખત ફોન પર થઈ વાત

હાથરસ કેસની તપાસમાં નવો ખુલાસો થયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે પોતાની તપાસમાં જાણ્યું કે, પીડિત પરિવાર અને મુખ્ય આરોપી સંદીપ ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. પીડિત પરિવાર અને સંદીપ વચ્ચે ફોન પર વાતચીતનો સિલસિલો પાછલા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયો હતો. પીડિત પરિવાર અને આરોપી વચ્ચે 104 વખત ફોન પર વાતચીત થઈ છે.

હાથરસ કેસમાં આ ખુલાસો યૂપી પોલીસની તપાસમાં થયો છે. પોલીસે આરોપી અને પીડિત પરિવારના કોલ રેકોર્ડની તપાસ કરી તો સામે આવ્યું કે, વાતચીતનો આ સિલસિલો પાછલા વર્ષે 13 ઓક્ટોબરે શરૂ થયો હતો. મોટાભાગના કોલ ચંદપા ક્ષેત્રમાંથી થયા છે, જે પીડિતાના ગામથી માત્ર 2 કિમી દૂર છે.

તેમાંથી 62 કોલ તે છે જે પીડિત પરિવાર તરફથી કરવામાં આવ્યા તો 42 કોલ આરોપી સંદીપ તરફથી કરવામાં આવ્યા છે. યૂપી પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે પીડિત પરિવાર અને આરોપી સંદીપ વચ્ચે નિયમિત સમયે વાત થઈ હતી. આરોપી સંદીપને કોલ પીડિતાના ભાઈ તરફથી કરવામાં આવ્યા હતા.

આ વચ્ચે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ પણ અંતિમ તબક્કામાં છે. એસઆઈટી પોતાનો રિપોર્ટ બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપી શકે છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાનીમાં ડીઆઈજી ચન્દ્ર પ્રકાશ અને એસપી પૂનમ કેસની તપાસ કરી રહ્યાં છે.

મહત્વનું છે કે પાછલા સપ્તાહે તપાસ શરૂ થઈ અને સાત દિવસમાં રેપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી હતી. એસઆઈટીની ટીમ ચંદપાના તે ગામ પણ પહોંચી હતી, જ્યાં પીડિતા રહેતી હતી. એસઆઈટીએ પીડિતાના પરિવારજનોનું પણ નિવેદન લીધું છે.