હાથરસ કાંડની સુનાવણી પૂર્ણ, પોલીસની કાર્યવાહીથી કોર્ટ નારાજ, આગામી સુનાવણી 2 નવેમ્બરે થશે

હાથરસ ગેંગરેપ કેસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બે ન્યાયાધીશોની ખંડપીઠ સમક્ષ પીડિતાના પરિવારે પોતાનો પક્ષ રજૂ કર્યો. ઉપરાંત, ઉત્તર પ્રદેશ સરકાર વતી ઘણા અધિકારીઓ કોર્ટમાં હાજર હતા. હાઈકોર્ટમાં આજની સુનાવણી પૂરી થઈ છે.

હાઇકોર્ટે પોલીસની કાર્યવાહી અંગે નારાજગી વ્યક્ત કરી છે. આ કેસની સુનાવણી 2 નવેમ્બરના રોજ થશે. પીડિત પરિવારે કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે અંતિમ સંસ્કાર રાત્રે તેમની સંમતિ વિના કરવામાં આવ્યા હતા. પરિવારે એમ પણ કહ્યું કે તેમને અંતિમ સંસ્કારમાં શામેલ કરવામાં ન આવ્યા. પરીવારના સભ્યોએ તપાસમાં ખામીની આશંકા વ્યક્ત કરી હતી અને સુરક્ષા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

પીડિતાના પરિવાર દ્વારા અંતિમ સંસ્કાર માટે કરવામાં આવેલા આરોપ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટએ કહ્યું કે ત્યાં ઘણા લોકો એકઠા થયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે કારણે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આગામી સુનાવણીમાં પીડિત પરિવારના આરોપો પર ચર્ચા થશે. કોર્ટ દ્વારા આ કેસની સુઓમોટો સંજ્ઞાનથી નોંધ લેવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે પરશુરામ આર્મીએ પણ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે, જેના પર આગામી સુનાવણી 15 ઓક્ટોબરે થવાની છે.