હાથરસ કાંડ મામલે આખરે હરકતમાં આવી યોગી સરકાર, SP-DSP સહિત અનેક અધિકારી સસ્પેન્ડ

હાથરસ મામલે યોગી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. શુક્રવારના મોડી સાંજે સરકારે હાથરસ કેસમાં લાપરવાહી કરવાના કારણે એસપી વિક્રાંત વીર, સીઓ અને ઇન્સપેક્ટરને તાત્કાલિક પ્રભાવે સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત કેટલાક અન્ય પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેસની શરૂઆતથી પોલીસ અને તંત્રની લાપરવાહી સામે આવી છે. વિવાદ થંભતો ના જોઇને મુખ્યમંત્રી કાર્યાલયે સીધો હસ્તક્ષેપ કર્યો અને ડીએમ-એસપીની વિરુદ્ધ વિસ્તૃત રિપોર્ટ માંગ્યો હતો.

ડીએમ પર લટકી રહી છે તલવાર

આખા કેસમાં ડીએમ અને એસપીની ભૂમિકાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા જ નારાજ હતા. માનવામાં આવી રહ્યું હતુ કે કોઈ પણ સમયે હાથરસના ડીએમ અને એસપીને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. જોકે હજુ પણ ડીએમ પર કાર્યવાહીને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી. હાથરસાના જિલ્લાઅધિકારી પ્રવીણ કુમાર લક્ષકારની ભૂમિકા શરૂઆતથી શંકાસ્પદ રહી છે. મૃતક છોકરીના પરિવારે ડીએમ લક્ષકાર પર અનેક ગંભીર આરોપ લગાવ્યા છે.

ડીએમ પર લાગ્યા છે ગંભીર આરોપ

ડીએમ પ્રવીણ કુમાર પર પીડિતાની ભાભીએ આરોપ લગાવ્યો હતો કે ડીએમે તેમના સસરા (પીડિતાના પિતા)ને કહ્યું છે કે જો તમારી દીકરી અત્યારે કોરોનાથી મરી ગઈ હોત તો શું તમને વળતર મળ્યું હોત? આ ઉપરાંત સોશિયલ મીડિયા પર જિલ્લાધિકારી અને પીડિતાના પિતાની વચ્ચે થયેલી વાતચીતની એક ફૂટેજથી પણ તંત્ર પર ગંભીર આરોપ લાગ્યા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં ડીએમ પીડિતાના પિતાને કહી રહ્યા છે કે તમે તમારી વિશ્વસનીયતા ખત્મ ના કરો. આ મીડિયાવાળા હું તમને જણાવી દઉં, અડધા ગયા અને અડધા કાલે જતા રહેશે. અમે તમારી સાથે ઉભા છીએ, તમારી ઇચ્છા છે કે તમારે વાંરવાર નિવેદન બદલવા છે કે નથી બદલવા. અમે પણ બદલાઈ જઇએ તો?

બીજેપી નેતાઓએ યોગીને ઘેર્યા

ઉલ્લેખનીય છે કેવહીવટી તંત્રએ પહેલા તો પરિવારની મરજીની વિરુદ્ધ રાતમાં જ અંતિમ સંસ્કાર કરી દીધા અને હવે એસઆઈટી તપાસના નામે આખા ગામની જ કિલ્લાબંધી કરી દીધી છે. ત્યાં ના તો મીડિયાને જવા દેવામાં આવી રહ્યું છે અને ના નેતાઓને. આ તમામને લઇને બીજેપીના પોતાનાઓ જ યોગી સરકાર પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. બીજેપીની વરિષ્ઠ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી અને વર્તમાન કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ પોલીસની શંકાસ્પદ કાર્યવાહી પર પ્રશ્નો ઉઠાવ્યા છે.