મુંબઇ, પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આઇપીએલ ૨૦૨૪ની ૨૩મી મેચ ખૂબ જ રોમાંચક હતી. આ મેચમાં હૈદરાબાદનો પંજાબ કિંગ્સ સામે ૨ રનથી વિજય થયો હતો. ઈનિંગના પ્રથમ બોલ પર જ ટ્રેવિસ હેડની વિકેટને લઈને શિખર ધવને મોટી ભૂલ કરી નાખી હતી અને બીજી તરફ છેલ્લા બોલ પર હર્ષલ પટેલે કેચ છોડી દીધી હતી. મિડલ ઓવર્સમાં એસઆરએચના બેટ્સમેન નીતિશ રેડ્ડીએ ધમાકેદાર બેટિંગ કરી હતી તો બીજી તરફ પંજાબની ઈનિંગમાં ટોપ ઓર્ડરે નિરાશ કર્યા બાદ ફરી એક વખત શશાંક સિંહ અને આશુતોષ શર્માએ મહેફિલ લૂંટી હતી. આ મેચમાં અનેક બાબત આકર્ષણના કેન્દ્રમાં રહી હતી પરંતુ હર્ષલ પટેલે જે કેચ છોડી તે મેચનો ટનગ પોઈન્ટ સાબિત થયો.
સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગના છેલ્લા બોલ પર જયદેવ ઉનડકટે સેમ કરનની સામેની તરફ મોટો શોટ ફટકાર્યો હતો. લોન્ગ ઓન પર રહેલ હર્ષલ પટેલ દોડીને બોલ સુધી તો પહોંચી ગયો પરંતુ તે કેચ ન પકડી શક્યો. કેચ છોડવાની સાથે હર્ષલે બોલને બાઉન્ડ્રીની બહાર પણ પહોંચાડવામાં મદદ કરી. આ રીતે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ૧૭૬થી ૧૮૨ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. જો હર્ષલ પટેલે તે કેચ પકડી લીધી હોત તો પંજાબ કિંગ્સ આ મેચ પોતાના નામે કરી શકી હોત. પંજાબે આ મેચમાં માત્ર ૨ રનથી જ હારનો સામનો કરવો પડ્યો છે. જો છેલ્લા બોલ પર ચોગ્ગો પણ ગયો હોત તો પણ પંબાજ આ મેચ જીતી શકી હોત. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા સનરાઈઝર્સ હૈદરાબાદે નીતીશ રેડ્ડી (૬૪)ની અડધી સદીની ઈનિંગના આધારે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૮૨ રન બનાવ્યા હતા. નીતિશ સિવાય જીઇૐનો કોઈ બેટ્સમેન ૨૫ રનનો આંકડો પણ પાર નહોતો કરી શક્યો. પંજાબ તરફથી બોલિંગમાં અર્શદીપે ચાર વિકેટ ઝડપી હતી. તેના સિવાય સેમ કરન અને હર્ષલ પટેલને ૨-૨ સફળતા મળી હતી.
આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમે માત્ર ૨૭ રનમાં પોતાની ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સેમ કુરન અને સિકંદર રઝાએ ટીમની કમાન સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ વધુ સમય સુધી ક્રિઝ પર ન ટકી શક્યા. આવી સ્થિતિમાં ફરી એકવાર ટીમને જીત તરફ લઈ જવાની જવાબદારી શશાંક સિંહ અને આશુતોષ શર્મા પર આવી ગઈ હતી. શશાંકની ૨૫ બોલમાં ૪૬ રનની ઈનિંગ અને આશુતોષની ૧૫ બોલમાં ૩૩ રનની ઈનિંગ ટીમને ટાર્ગેટની નજીક તો લઈ ગઈ, પરંતુ તેઓ ટીમને જીતાડી ન શક્યા. પંજાબને આ મેચમાં ૨ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.