હરિયાણાની નાયબ સિંહ સૈની સરકાર સંકટમાં હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે રાજ્યમાં રાજકીય ઉથલપાથલ સતત વધી રહી છે. જો કે, ભારતીય જનતા પાર્ટી આ સંકટમાંથી બહાર આવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. દરમિયાન, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ચંદીગઢમાં જનનાયક જનતા પાર્ટીના બે ધારાસભ્યોને મળ્યા હતા, જેના પછી રાજકીય ગરમાવો વધી ગયો છે. વાસ્તવમાં રાજ્યમાં ભાજપ સરકાર લઘુમતીમાં છે અને તેને ત્રણ ધારાસભ્યોની જરૂર છે.
સીએમ સૈની અને મનોહર લાલ ખટ્ટરે જોગીરામ સિહાગ અને રામનિવાસ સુરજાખેડા સાથે મુલાકાત કરી ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. આ રાજકીય સંકટને દૂર કરવા માટે ભાજપ જેજેપીના કેટલાક ધારાસભ્યોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ધારાસભ્યો ભાજપને સમર્થન આપી શકે છે, તેમ છતાં તેનો આંકડો બહુમત સુધી પહોંચે તેવું લાગતું નથી.
પાર્ટી માટે સારા સમાચાર ૫ જૂને આવ્યા જ્યારે સીએમ નાયબ સિંહ કરનાલ સીટ પર પેટાચૂંટણી જીત્યા. જો કે વિપક્ષ તરફથી સતત દાવા કરવામાં આવી રહ્યા હતા કે આ બેઠક પર નાયબ સિંહની હાર નિશ્ર્ચિત છે. વિપક્ષના તમામ દાવાઓનો જડબાતોડ જવાબ આપતા સીએમ સૈની કરનાલ સીટ પરથી જીત્યા. આ જીત છતાં પાર્ટી પાસે હજુ પણ ૪૧ ધારાસભ્યો છે.
જો બહુમતીના આંકડાની વાત કરીએ તો ભાજપ પાસે ૪૧ ધારાસભ્યો છે અને તેને હરિયાણા લોકહિત પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડાનું સમર્થન છે. આવી સ્થિતિમાં ધારાસભ્યોની સંખ્યા વધીને ૪૨ થઈ ગઈ છે. બહુમતી મેળવવા માટે પાર્ટીને ૪૫ ધારાસભ્યોની જરૂર છે, જેના માટે તેને હાલમાં ઓછામાં ઓછા ૩ ધારાસભ્યોની જરૂર છે. હરિયાણામાં ૯૦ વિધાનસભા બેઠકો છે, પરંતુ હાલમાં વર્તમાન સભ્યોની સંખ્યા ૮૮ છે કારણ કે એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું અને એક ધારાસભ્યનું અવસાન થયું હતું.