ચંદીગઢ,
દેશભરમાં બળજબરીથી ધર્માંતરણના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણા રાજ્યોએ આ અંગે કાયદા પણ બનાવ્યા છે. હવે, હરિયાણામાં લગ્ન માટે ધર્મ પરિવર્તનને લગતો કાયદો અમલમાં આવ્યો છે. આજે હરિયાણાના રાજ્યપાલે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાવતા કાયદાને મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં હરિયાણામાં કોઈ પણ મહિલા કે પુરુષ લગ્ન માટે પોતાનો ધર્મ બદલી શકશે નહીં. હરિયાણા સરકાર દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન મુજબ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા પર સખત સજાની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે. તો તેને ૧૦ વર્ષની સજા અને ૫ લાખ સુધીનો દંડ થઈ શકે છે. હરિયાણા ગેરકાનૂની ધર્માંતરણ નિવારણ અધિનિયમ હેઠળ, આરોપીએ પીડિતને ભરણપોષણ પણ ચૂકવવું પડશે.
આ સાથે ધર્મ પરિવર્તન બાદ લગ્નથી જન્મેલા બાળકોએ ભરણપોષણની રકમ પણ ચૂકવવી પડશે. જો કોઈ આરોપી મૃત્યુ પામે છે, તો પીડિતને સ્થાવર મિલક્તની હરાજી દ્વારા વળતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૨૨માં બજેટ સત્રમાં હરિયાણા સરકાર આ બિલ લાવી હતી. વિધાનસભામાં પાસ થયા બાદ તેને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. હવે આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને રાજ્યમાં આ કાયદો અમલમાં આવ્યો છે. ધર્મ પરિવર્તનના કિસ્સામાં એવી જોગવાઈ છે કે, જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ ધર્માંતરણ કરે છે. તો જિલ્લાના ડીસીને તેના વિશે પહેલા જાણ કરવાની રહેશે. તે વ્યક્તિના ધર્મ પરિવર્તન અંગેની તમામ માહિતી ડીસી ઓફિસના નોટિસ બોર્ડ પર ચોંટાડી દેવામાં આવશે અને ત્યારબાદ ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિને કોઈ સમસ્યા હોય તો ૩૦ દિવસમાં લેખિતમાં ફરિયાદ કરી શકાશે.