હરિયાણા ’પોતાના કામ માટે વોટ માંગવાને બદલે આ લોકો કોંગ્રેસને ગાળો આપે છે,ખડગે

ચંડીગઢ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ’જૂઠાણાંના સ્વામી’ ગણાવ્યા અને દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) લોકશાહીને ખતમ કરવા માંગે છે. હરિયાણામાં પોતાની પ્રથમ રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે લોકો ભાજપથી કંટાળી ગયા છે. તેમણે કહ્યું, “કેટલાક લોકો એવા છે જે ‘મોદી મોદી’ બૂમો પાડે છે. તે ’જૂઠાણાના સ્વામી’ છે, છતાં તમે ’મોદી મોદી’ કરો છો. હું કોઈને ગાળો આપવા માંગતો નથી અને હું મોદીની વિરુદ્ધ નથી. પરંતુ હું ચોક્કસપણે મોદીની વિચારધારાની વિરુદ્ધ છું અને હું તેની સામે લડી રહ્યો છું.

ખડગેએ કહ્યું કે તેમની પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની વિચારધારા સામે લડી રહી છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તમે લોકશાહીને ખતમ કરવા માંગો છો અને અમે તેની સામે લડી રહ્યા છીએ. કોંગ્રેસ અયક્ષે કહ્યું, “મોદીજી, તમે સમજો છો કે તમે બુદ્ધિશાળી છો. આ દેશના લોકો તમારા કરતા વધુ હોશિયાર છે. લોકો તમારી સામે લડી રહ્યા છે.

ખડગેએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ દરેક નાગરિકના બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવા, દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવા અને ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું. ખડગેએ પૂછ્યું, તો શું તે જૂઠો છે કે સારો માણસ? આવા વડાપ્રધાનને હું ’જૂઠાણાનો સ્વામી’ કહું તો હું શું ખોટું કરી રહ્યો છું?

ખડગેએ કહ્યું કે હરિયાણા અને પંજાબને ખૂબ જ સમૃદ્ધ માનવામાં આવે છે, પરંતુ હજુ પણ અહીં બેરોજગારી અને મોંઘવારી ચરમ પર છે. પીએમ નરેન્દ્ર મોદી પોતાના ૧૦ વર્ષના કામનો કોઈ હિસાબ આપતા નથી, પરંતુ આખો દિવસ કોંગ્રેસને ગાળો આપતા રહે છે. પોતાના કામ માટે વોટ લેવાને બદલે પીએમ મોદી કોંગ્રેસને ગાળો આપે છે. આ તેની આદત બની ગઈ છે. અમારી લડાઈ બંધારણ અને લોકશાહીને બચાવવાની છે. કારણ કે મૂળભૂત અધિકારો, હક અને અનામતનો અધિકાર બંધારણમાં જ છે. આરએસએસ-ભાજપ બંધારણ અને લોક્તંત્રને નષ્ટ કરવા માંગે છે, પરંતુ અમે આવું ક્યારેય થવા દઈશું નહીં.