હરિયાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં એક સાથે યોજાઇ શકે છે વિધાનસભા ચૂંટણી

આર્ટિકલ ૩૭૦ હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની રાહ જોવામાં આવી રહી છે. હવે આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો અનુસાર, જમ્મુ કાશ્મીર, હરિયાણા અને મહારાષ્ટ્રમાં એક સાથે ચૂંટણી યોજાઇ શકે છે. જોકે, ઝારખંડમાં ચૂંટણી અલગથી થવાની સંભાવના છે. આ મામલે અંતિમ નિર્ણય ૨૦ ઓગસ્ટ સુધી લેવામાં આવી શકે છે.

મળતી માહિતી અનુસાર, જમ્મુ કાશ્મીર બાદ ચૂંટણી પંચ હરિયાણા અને મહારાષ્ટ્રનો પ્રવાસ કરી શકે છે. ૧૨ અને ૧૩ ઓગસ્ટે હરિયાણાના પ્રવાશે ચૂંટણી પંચ જશે. હરિયાણા બાદ ચૂંટણી પંચ મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે. જમ્મુ કાશ્મીર, હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી ઝારખંડ ચૂંટણીથી અલગ થવાની સંભાવના છે.

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં મતદાન થશે. જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મતદાન થઇ શકે છે. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવાનો અંતિમ નિર્મય તમામ પક્ષ સાથે વાત કર્યા બાદ થશે. જોકે, ચૂંટણી પંચે અત્યાર સુધી જે આદેશ જાહેર કર્યા છે તે જમ્મુ કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ માટે પણ છે પરંતુ ચૂંટણી પંચ પાસે ઝારખંડમાં ચૂંટણી અલગથી કરાવવાનો વિકલ્પ છે.

સુત્રો અનુસાર, ૯ ઓગસ્ટે ચૂંટણી પંચની ટીમ સવારે ૧૧.૩૦ વાગ્યે જમ્મુ માટે રવાના થશે. આ પહેલા સવારે ૯ વાગ્યે શ્રીનગરમાં મુખ્ય સચિવ અને પોલીસ વડા સાથે મુલાકાત કરશે. ટીમના આ પ્રવાસને જમ્મુ કાશ્મીરમાં આગામી ચૂંટણીની સમય સીમા નક્કી કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે