ચંડીગઢ, ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકોને દંડ કરવામાં આવે છે. ટ્રાફિક પોલીસ સ્થળ પર જ મેમો ફાડી દંડ વસૂલે ત્યારે આપણે માનતા હોઈએ છીએ કે આ નાણાં સરકારી તિજોરીમાં જમા થશે. જોકે, ટ્રાફિક મેમોમાં મોટાપાયે કૌભાંડ થઈ શકે છે તેવી એક ઘટના હરિયાણામાં જોવા મળી. હરિયાણા પોલીસે ટ્રાફિક મેમો સંબંધિત રૂ. ૩ કરોડના કૌભાંડમાં ટ્રાફિક વિભાગના હેડ કોન્સ્ટેબલ જનકની ધરપકડ કરી છે.
ટ્રાફિક પોલીસ વિભાગના બે કર્મચારીઓએ દંડ વસૂલ્યો હતો પરંતુ સરકારી બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા ન હતા. હરિયાણા પોલીસે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી તેની પાસેથી રૂ. ૬૧ લાખ રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ લોકેન્દ્ર સિંહે મે મહિનામાં વાહનો માટે જારી કરાયેલા દંડ અંગેનો અહેવાલ માંગ્યા બાદ આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
હરિયાણાના પલવલમાં ડીએસપી વિજયપાલે જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ જનકની ધરપકડ કર્યા પછી તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો અને રૂ. ૬૧ લાખની રકમ જપ્ત કરાઈ હતી. જોકે, આરોપીએ કુલ રૂ. ૩,૨૩,૦૯,૮૫૦નું કૌભાંડ કર્યું છે. હેડ કોન્સ્ટેબલ જનેક આ સમયમાં ઈ-ચલણમાં પણ મોટુ કૌભાંડ આચર્યું છે.
રિપોર્ટની સરખામણી કરવા પર, એસપી લોકેન્દ્ર સિંહને બે ટ્રાફિક કોન્સ્ટેબલો દ્વારા દંડમાંથી વસૂલવામાં આવેલી રકમ અને બેંકમાં જમા કરાયેલી રકમ વચ્ચે નોંધપાત્ર વિસંગતતા જોવા મળી. આ પછી સિંહે તપાસનો આદેશ આપ્યો હતો, જેમાં ખુલાસો થયો હતો કે ૩ કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરવામાં આવી હતી.
તપાસમાં જણાયું હતું કે બે પોલીસ કર્મચારીઓ – હેડ કોન્સ્ટેબલ જનક અને ઈ-ચલણ શાખામાં તૈનાત ઈએચસી ઓમબીર નાણાંની ઊચાપત કરી રહ્યા હતા. પોલીસ સુપરીન્ટેન્ડેન્ટને ઈ-ચલાન દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ અને બેંકમાં જમા કરવામાં આવેલી રકમ વચ્ચેની અસમાનતા વિશે જાણ કરવામાં આવી હતી. પરિણામે, તેમણે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે દંડ આપવા માટે બારી પર તૈનાત પોલીસ કર્મચારીઓએ ઈ-ચલાન દ્વારા ૩.૨૩ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. જૂન ૨૦૨૦માં ઇ-ચલણ મશીનો દ્વારા ૧.૪ લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા પરંતુ આ પૈસા બેંક ખાતામાં જમા થયા ન હતા. તેવી જ રીતે, ઓક્ટોબર ૨૦૨૦માં પણ કોઈપણ બેંક ખાતામાં ૧.૪ લાખ રૂપિયાની રકમ જમા કરવામાં આવી ન હતી અને દંડનું સમાધાન થઈ શક્યું ન હતું. આથી, પૈસા કમાવવા માટે બંનેએ નકલી દંડની ટિકિટો બનાવી હોવાની શક્યતા છે.
આરોપી હેડ કોન્સ્ટેબલે રિમાન્ડ દરમિયાન આ કૌભાંડની વિગતો જણાવી હતી. તેણે જણાવ્યું કે તેઓ ઘણા સમયથી મેમો બ્રાન્ચ હેડ તરીકે કામ કરતા હતા. આ સમયે ચલણની રકમ બેન્ક ખાતામાં જમા કરાવવાના બદલે પોતાના અંગ કામ માટે તેનો ખર્ચ કરતો હતો.લગભગ બે મહિના સુધી ચાલેલી તપાસમાં જણાયું હતું કે, ચલણ વિન્ડો પર તૈનાત પોલીસ કર્મચારીએ ઈ-મેમોની રકમની ઊચાપત કરી હતી. બંને આરોપીઓએ નકલી બેન્ક સ્ટેટમેન્ટ અને સ્ટેમ્પનો ઉપયોગ કરીને રૂ. ૩,૨૨,૯૭,૧૫૦ રૂપિયાની ઊચાપત કરી હતી. આ સિવાય જૂન ૨૦૨૦માં વિવિધ પોલીસ સ્ટેશનમાં ઈ-ચલણ મશીન દ્વારા ફાડવામાં આવેલા મેમોની રકમના ખાતામાં રૂ. ૨,૭૮,૪૦૦ પણ જમા કરાવાયા નહોતા. એ જ રીતે ઑગસ્ટ ૨૦૨૧માં ઈએચસી ઓમ્બેરે રૂ. ૧૨,૭૦૦ની ઊચાપત કરી હતી.
ડીએસપી વિજયપાલે જણાવ્યું કે, મુખ્ય આરોપી હેડ કોન્સ્ટેબલ જનકની ૨૮ જૂને ધરપકડ કરાઈ હતી અને તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાયો હતો. આ સમયે આરોપીએ કૌભાંડની રકમ જુગારમાં વેડફી નાંખી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.