
હરિયાણામાં ભાજપની સરકાર પર સંકટનાં વાદળો છવાયં છે અને તેના વિરુદ્ઘ અભિયાન ચલાવી રહેલા નેતાઓની સંખ્યા અચાનક વધી ગઈ છે. જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના નેતા દુષ્યંત ચૌટાલાએ હરિયાણા સરકારને ગબડાવવા માટે કોંગ્રેસને બહારથી સમર્થન આપવા પર વિચાર કરવાની ઓફર કરી દીધી. વિપક્ષી નેતાઓની માંગ છે કે હરિયાણામાં શક્તિ પરીક્ષણ કરાવવામાં આવે. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય પાસે શક્તિ પરીક્ષણનો આદેશ આપવાની શક્તિ છે. વિપક્ષે એ પણ માંગ કરી છે કે જો સત્તારૂઢ પાર્ટી બહુમતમાં નથી, તો હરિયાણામાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે, પરંતુ શંત આ આસાન છે? નવા દોરની ભાજપને પોતાની સરકારોના બચાવમાં સૌથી સક્ષમ માનવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની સાથે જ હાલના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની બહુમત પ્રત્યે આશ્વસ્થ દેખાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ ખતરો નથી, તેમની પાસે સંખ્યાબળ છે અને જરૂર પડ્યે તે શક્તિ પરીક્ષણ કરવા તૈયાર છે.
અસલમાં નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બન્યે હજુ બે મહિના વીત્યા છે અને કમ સે કમ ચાર ધારાસભ્ય તેમનો સાથ છોડી ચૂક્યા છે. જોકે તેમણે બહુમત સાબિત કર્યે બે મહિના જ વીત્યા છે અને કાયદેસર વિશેષ પરિસ્થિતિઓમાં હવે રાજ્યપાલ જ બહુમતી સાબિત કરવા માટે કહી શકે છે. એવામાં રાજ્યપાલને લખેલા પત્રનું મહત્ત્વ વધી જાય છે. બે મહિના પહેલાં બનેલી સરકારને વિપક્ષ એટલા માટે હવે અલ્પમતમાં માની રહ્યો છે, કારણ કે સરકારને સમર્થન આપનારા બે ધારાસભ્યો, એક ભાજપના અને બીજા અપક્ષે રાજીનામું આપી દીધું છે. તે ઉપરાંત ત્રણ અપક્ષ ધારાસભ્યોએ સૈની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. રાજ્યના ૯૦ સદસ્યોના સદનમાં ભાજપના ૪૦, કોંગ્રેસના ૩૦, જનનાયક પાર્ટીના ૧૦, હરિયાણા લોકહિત પાર્ટી (એચએલપી) અને આઇએનએલડીના એક-એક અને છ અપક્ષ ધારાસભ્યો છે. ભાજપ પાસે શરૂઆતમાં ૪૧ ધારાસભ્યો હતા, પરંતુ ૨૫ મેએ થનારી લોક્સભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવાર ખટ્ટરના રાજીનામા બાદ કરનાલ સીટ ખાલી થતાં ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૪૦ રહી ગઈ છે. એનાથી વિપક્ષનું મનોબળ વયું છે. વાસ્તવમાં દુષ્યંત ચૌટાલા સરકાર ગબડાવવા માંગે છે, પરંતુ કોંગ્રેસ વિના સરકાર ગબડાવવી મુશ્કેલ છે. કોંગ્રેસનું ધ્યાન હાલમાં લોક્સભા ચૂંટણી પર છે, તેને હરિયાણામાં સરકાર તોડવાની કોઈ ઉતાવળ નથી. હરિયાણાની તમામ ૧૦ સીટો પર ૨૫ મેએ મતદાન છે અને ત્યાર બાદ જ પ્રદેશમાં સરકાર બનાવવા-પાડવાની રાજનીતિ તેજ થશે. જોકે ભાજપ સત્તા બચાવી રાખવા મુદ્દે આશ્ર્વસ્ત દેખાઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ દાવો કર્યો છે કે કોંગ્રેસ અને જેજેપીના નેતા ભાજપના સંપર્કમાં છે. ભાજપના પક્ષમાં પૂરતા આંકડા નથી દેખાતા પરંતુ તેને ભરોસો છે કે વિપક્ષમાં ગાબડાં પાડીને સરકારને બચાવી શકાય છે. એમ પણ, ચાર-પાંચ મહિના બાદ જ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. તેનાં પરિણામો હંમેશાં ચોંકાવે છે. ૨૦૦૯ની વિધાનસભામાં ભાજપને માત્ર ૪ સીટો મળી હતી, પરંતુ આગામી ચૂંટણી ૨૦૧૪માં તેને ૪૭ સીટો મળી હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં પણ ભાજપ ૪૦ સીટો સાથે સૌથી મોટો પક્ષ બની હતી અને જેજેપી સાથે મળી તેણે સરકાર બનાવી હતી. તે એવું નહીં ઇચ્છે કે હરિયાણા જેવું રાજ્ય તેના હાથમાંથી નીકળી જાય, એટલે આવનાર દિવસોમાં કુરુક્ષેત્રવાળા રાજ્યમાં રાજનીતિ તેજ રહેવાની છે.