હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલના પુત્રવધૂ કિરણ ચૌધરી અને તેમના પુત્રી શ્રુતિ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે જ બંનેએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આજે સવારે ૧૦.૩૦ વાગ્યે, તેઓ બીજેપી હેડક્વાર્ટર ખાતે હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની અને પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
ખડગેને લખેલા તેમના અલગ-અલગ રાજીનામામાં, કિરણ ચૌધરી અને શ્રુતિ ચૌધરીએ આડક્તરી રીતે ભૂતપૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પર નિશાન સાયું અને આરોપ લગાવ્યો કે પાર્ટી ઓફીસ ’ખાનગી જાગીર’ તરીકે ચલાવવામાં આવી રહી છે. શ્રુતિ ચૌધરી હરિયાણામાં કોંગ્રેસના કાર્યકારી અયક્ષ હતા. હરિયાણામાં આ વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
કિરણ ચૌધરી હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલના પુત્રવધૂ અને ભિવાની જિલ્લાના તોશામના ધારાસભ્ય છે. હવે હરિયાણામાં જયારે ચૂંટણી નજીક જ છે ત્યારે તેમના ભાજપમાં જોડાવાથી હરિયાણામાં પાર્ટી વધુ મજબૂત થવાની સંભાવના છે.
કિરણ ચૌધરી દિલ્હી વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. રોહતકથી કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દ્ર હુડ્ડાની જીતથી રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે, જો બીજેપી આગેવાન અને કિરણ ચૌધરી વચ્ચે સમજૂતી થાય છે તો તેમને હરિયાણાથી રાજ્યસભામાં પણ મોકલવામાં આવી શકે છે. કિરણ ચૌધરી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસનો એક ધારાસભ્ય ઓછો થશે. જો કે, કિરણે કહ્યું કે તે અને તેની પુત્રી બંને બિનશરતી ભાજપમાં જોડાયા છે.