નવીદિલ્હી, આજકાલ ફરી ભારતીય રાજનીતિમાં નિમ્નતાનું નવું નીચલું સ્તર લાંઘવામાં આવી રહ્યું છે. એક તરફ મણિપુરના જઘન્ય કિસ્સા મામલે વિપક્ષ એટલેકે હવે ઇન્ડિયાએ પીએમ મોદી પાસેથી મોનસૂન સત્રમાં જવાબ માંગ્યો છે ત્યારે મણિપુર મુદ્દે વિપક્ષ જ ચર્ચા માટે તૈયાર નથી અને તેમને ચર્ચા કરવી જ નથી એટલે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપનો આરોપ ભાજપ લગાવી રહી છે. વિપક્ષના વિરોધ પ્રદર્શનની ઝાટકણી કાઢતા બીજેપીના સાંસદ મનોજ તિવારી ભાન ભૂલીને વિપક્ષી સાંસદોને નામર્દ અને બેશરમ કહીને સંબોધતા મામલો ગરમ બન્યો છે.
તેવામાં બીજેપીના વધુ એક નેતાએ આપેલ નિવેદન મુદ્દે હવે હોબાળો મચ્યો છે. તેમણે પૂરનું કારણ રાહુલ ગાંધીનું પાપ આપતા મામલો બિચક્યો છે.ભાજપે લોક્સભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હરિયાણાના રોહતકમાં બીજેપીનું પન્ના પ્રમુખ સંમેલન યોજાયું હતું. આ કોન્ફરન્સ દરમિયાન ત્રિપુરાના પૂર્વ સીએમ અને હરિયાણાના ભાજપના પ્રભારી બિપ્લબ કુમાર દેવે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો.
બિપ્લબ દેવે કહ્યું કે રાહુલ ગાંધી હરિયાણામાં આવીને ખેતી કરે છે. આ તેમનું જ પાપ છે કે આ ધરતીને પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. રાહુલ ગાંધીએ અહિંયા આવીને ખેતી કરી અને તેમના જ પાપને કારણે હરિયાણાના ખેડૂતોનો પાક પૂરમાં નાશ પામ્યો હોવાનો દાવો બીજેપીના પૂર્વ મુખ્યમંત્રી કરી રહ્યાં હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.