હરિયાણામાં કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર નહીં કરે

હરિયાણામાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ અને અટકળોએ જોર પકડ્યું છે. કોંગ્રેસ હરિયાણાના પ્રભારી મહાસચિવ દીપક બાબરિયાએ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા વિશે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, પાર્ટી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર નહીં કરે. આ સાથે તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવીને સરકાર બનાવશે.

દીપક બાબરિયાએ કહ્યું કે, પાર્ટી ચૂંટણીમાં સીએમ ચહેરા તરીકે કોઈને જાહેર કરશે નહીં. શનિવારે પંચકુલામાં ભારતીય જનતા પાર્ટીની વિસ્તૃત રાજ્ય કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એવું પૂછતાં બાબરિયાએ સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ પક્ષમાં આવું કંઈ થતું નથી.

કોંગ્રેસ પ્રભારીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની ૭૦ વર્ષ જૂની પરંપરા છે કે જે પણ ધારાસભ્ય પક્ષ ચૂંટે છે અને ૯૯.૯૯ ટકા પરંપરા છે કે તે કોંગ્રેસ અયક્ષને અધિકૃત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આખરે, ચૂંટાયેલા ધારાસભ્યોની ઇચ્છા મુજબ નિર્ણય લેવામાં આવશે આ (મુખ્યમંત્રી પદનો ચહેરો) એક મોટો રાજકીય નિર્ણય છે.

તેમણે સ્પષ્ટ કહ્યું કે ગયા વર્ષે જે રાજ્યોમાં ચૂંટણી થઈ હતી. સીએમ પદ માટે ઘણા દાવેદારો હતા, પરંતુ કોઈને સીએમ પદનો ચહેરો બનાવવામાં આવ્યો ન હતો. જ્યારે કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મળી, ત્યારે ધારાસભ્યોએ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી અને પછી હાઈકમાન્ડની મંજૂરીથી, મુખ્યમંત્રી પદની પસંદગી કરવામાં આવી. તેમણે દાવો કર્યો કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે.

બાબરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ પક્ષમાં કોઈ આંતરિક વિખવાદ નથી કે પક્ષમાં કોઈ મતભેદ નથી. મીડિયામાં આને અતિશયોક્તિ કરવામાં આવે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુમારી સેલજાની ટીકા પર પૂછવામાં આવેલા પ્રશ્ર્ન પર તેમણે કહ્યું કે પાર્ટીમાં લોકશાહી છે અને લોકશાહીમાં દરેકને તેમના પ્રશ્ર્નો પૂછવાનો અધિકાર છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે હરિયાણાની નવ લોક્સભા સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમાંથી પાંચમાં તેણે જીત મેળવી હતી, જ્યારે આમ આદમી પાર્ટી કુરુક્ષેત્ર સીટ હારી ગઈ હતી.