- પરોઢના સમયે ધુમ્મસ છવાયેલું હોઈ અકસ્માત સર્જાયો, એક સ્થાનિક સહિત પાંચેય યુવકો કાર બહાર ફેંકાયા
- મહેસાણાના સામેત્રા, ધિણોજ નજીકના કમાલપુર, સીતાપુરાના 4 યુવકો ગાયો લેવા જઈ રહ્યા હતા
હરિયાણા ગાયો ખરીદવા માટે ગયેલા પાટણના ધિણોજ નજીક આવેલા કમાલપુર, સીતાપુરા અને મહેસાણાના સામેત્રા સહિતના ચાર યુવકોની કારને હરિયાણા એક્સપ્રેસ હાઈવે પર ગુરુવારે વહેલી પરોઢે ધુમ્મસને કારણે ગમખ્વાર અકસ્માત થતાં ચારેય યુવાનોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ચૌધરી યુવકોના ચાર આશાસ્પદ યુવકોના મોતને પગલે સમગ્ર સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. ચાર યુવકો પૈકી પાર્થિલ ભરતભાઈ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો ભાણિયો થતો હોવાનું તેમજ અકસ્માત થયેલ કાર પણ અશોકભાઈના ભાઈ નરેશ ભાઈના નામે હોવાનું જાણવા મળ્યું છે.
પાટણના ચાણસ્મા તાલુકાના ધિણોજ નજીક આવેલા કમાલપુર ગામના જગદીશભાઈ ચૌધરી ગાયોનો તબેલો ધરાવે છે. ત્યારે કેટલાક દિવસ પૂર્વે જગદીશભાઈ પોતાની નજીક આવેલા સીતાપુરા ગામના બે અને સામેત્રાના એક મળી ચાર યુવકો જી.જે.18.ઇ.એ.9696 નંબરની ક્રેટા કાર લઈને પંજાબના હરિયાણા ખાતે વધુ હરિયાણવી ગાયો લેવા માટે ગયા હતા. દરમિયાન ગુરુવારે વહેલી સવારે પંજાબ હરિયાણાના એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.
બાદલી અને બુપનિયા ગામની વચ્ચે વહેલી વાતાવરણમાં ધુમ્મસને કારણે કાર આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈને પાછળ ઘૂસી ગઈ હતી. ટ્રેલર સાથેની જોરદાર ટક્કરને પરિણામે કારમાં સવાર 5 યુવકો બહાર ફેંકાઈ ગયા હતા અને 5 પૈકી પાર્થિલ, જગદીશ અને મુકેશનું ગંભીર ઇજાઓને પરિણામે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે સ્થાનિક યુવક હંસરાજને બહાદુરગઢ હોસ્પિટલમાં તેમજ ગંભીર ઇજાગ્રસ્ત ભરતકુમારને રોહર્તકની પીજીઆઇ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલી બહાદુરગઢ પોલીસે કારના ગુજરાત પાસિંગના રજિસ્ટ્રેશન નંબર આધારે મહેસાણામાં રહેતા માલિકનું સંપર્ક કરી ને ગમખ્વાર અકસ્માતની જાણ કરી હતી. બીજી તરફ ટ્રેલર ચાલક ટ્રેલર મૂકીને નાસી છૂટ્યો હોવાનું સ્થાનિક પોલીસે કહ્યું હતું.