હરિયાણા કોંગ્રેસમાં ૯૦ બેઠકો માટે ૨૦૦૦થી વધુ અરજી, ફીમાંથી રૂ. ૩ કરોડની આવક થઇ

લોક્સભા ચૂંટણીમાં હરિયાણામાં મળેલી જીત બાદ કોંગ્રેસનું મનોબળ ઉંચુ છે. વિપક્ષમાં હોવા છતાં પાર્ટીએ રાજ્યની ૧૦માંથી ૫ લોક્સભા બેઠકો જીતી છે. કોંગ્રેસ હવે આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પર નજર રાખી રહી છે, જ્યાં પક્ષને સુધારાની આશા છે. લોક્સભામાં પાર્ટીના દેખાવે વિધાનસભા ચૂંટણી લડી રહેલા દાવેદારોની યાદી લાંબી કરી દીધી છે અને ટિકિટ માટે લડાઈ શરૂ થઈ ગઈ છે.

તાજેતરમાં કોંગ્રેસે ટિકિટના દાવેદારો માટે અરજી પ્રણાલી શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રક્રિયા દ્વારા અત્યાર સુધીમાં ૨ હજારથી વધુ અરજીઓ આવી છે. રસપ્રદ વાત એ છે કે આ અરજીઓમાંથી કોંગ્રેસને લગભગ ૩ કરોડ રૂપિયા મળ્યા છે.૩ જુલાઈથી કોંગ્રેસે ટિકિટના દાવેદારોની અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું હતું. છેલ્લા ૨૮ દિવસમાં તમામ ૯૦ બેઠકો માટે ૨ હજારથી વધુ અરજીઓ આવી છે. તે પણ જ્યારે હજુ સુધી ઘણા મોટા નેતાઓએ ટિકિટ માટે અરજી કરી નથી.

અત્યાર સુધી દરેક સીટ પર સરેરાશ ૨૨ થી વધુ દાવેદારોએ ટિકિટ માટે અરજી કરી છે. દલિત બહુલ બેઠકો પર પણ આ દાવો ૫૦ની આસપાસ છે. દાવેદારોની ભીડ જોઈ કોંગ્રેસે પણ અરજીની તારીખ લંબાવી છે. હવે કોંગ્રેસના નેતાઓ ૧૦ ઓગસ્ટ સુધી હરિયાણામાં ટિકિટ માટે અરજીઓ સબમિટ કરી શકશે.

કોંગ્રેસે જનરલ કેટેગરીની અરજી ફી ૨૦ હજાર રૂપિયા રાખી છે. અરજી માટે દલિતો અને મહિલાઓ પાસેથી ૫,૦૦૦ રૂપિયા લેવામાં આવ્યા છે. જો આપણે અરજીઓની સંખ્યા પર નજર કરીએ તો, કોંગ્રેસે ઉમેદવારી ફોર્મમાંથી અત્યાર સુધીમાં લગભગ ૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ તમામ પૈસા સીધા કોંગ્રેસની તિજોરીમાં જશે.

કોંગ્રેસ પાર્ટીએ ૨૦૧૮માં મયપ્રદેશની ચૂંટણીમાં પ્રથમ વખત અરજી સબમિટ કરવાની ફોર્મ્યુલા લાગુ કરી હતી. આ પછી કર્ણાટક અને તેલંગાણામાં પણ આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા જે હાલમાં હરિયાણાના પ્રભારી છે તેઓ ૨૦૧૮માં મયપ્રદેશના પ્રભારી હતા.

આ નિયમ લાગુ કરવા પાછળ બે મુખ્ય કારણો છે – પ્રથમ, કોંગ્રેસ નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે અને પાર્ટી દાવેદારોની મદદથી તેના ભંડોળને મજબૂત કરવા માંગે છે. બીજું કારણ ટિકિટ વિતરણની ગંભીરતા છે. પાર્ટીને લાગે છે કે જેઓ ચૂંટણી લડવા માટે ગંભીર છે તેઓ જ પૈસા ખર્ચીને પોતાનો દાવો દાખવશે.

હરિયાણામાં વિધાનસભાની ૯૦ બેઠકો છે. ૨૦૧૯ની જેમ આ વખતે પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. પાર્ટીએ ૨૦૧૯માં રાજ્યમાં ૩૧ સીટો જીતી હતી, પરંતુ તાજેતરની લોક્સભા ચૂંટણી બાદ પાર્ટી ઉત્સાહિત છે. કોંગ્રેસે લોક્સભા ચૂંટણીમાં ૧૦માંથી ૫ બેઠકો જીતી છે. એટલું જ નહીં, પાર્ટીએ ૪૨ વિધાનસભા બેઠકો પર લીડ મેળવી છે. હરિયાણામાં સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીને ઓછામાં ઓછી ૪૬ સીટોની જરૂર છે.