હરિયાણાના કરનાલમાં મોટી દુર્ઘટના, રાઇસ મિલની ઇમારત ધરાશાયી, ૪ના મોત, ૨૦થી વધુ ઈજાગ્રસ્ત

ચંડીગઢ,હરિયાણાના કરનાલના તરવાડીમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં આવેલા શિવ શક્તિ નામની રાઇસ મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે, મિલની આ બિલ્ડિંગમાં ૧૦૦થી વધુ મજૂરો સૂતા હતા. આવી સ્થિતિમાં કાટમાળ નીચે અનેક મજૂરો દટાયા હોવાની આશંકા છે. તો બીજી બાજુ, ઓછામાં ઓછા ૪ મજૂરોના મૃત્યુ થયા છે સાથે ૨૦થી વધુ ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.

રાઇસ મિલની ઇમારત ધરાશાયી થતાં ચારેબાજુ ભયનો માહોલ છે. મિલના કાટમાળ નીચે ઘણા કામદારો દટાયા હોવાની આશંકા છે. ઘણા રાઇસ મિલ કામદારો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જેસીબી દ્વારા બિલ્ડિંગનો કાટમાળ હટાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.

તરવાડી ખાતે શિવ શક્તિ રાઇસ મિલની ત્રીજી માળની બિલ્ડીંગ સવારે ૩:૩૦ વાગ્યે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે લગભગ ૩૦ મજૂરો કાટમાળમાં ફસાયા છે જ્યારે બે મજૂરોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે ઘાયલ મજૂરોને કલ્પના ચાવલા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આ રાઇસ મિલની બિલ્ડિંગની અંદર કર્મચારીઓ સૂતા હતા. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે.

તરવાડીમાં કાટમાળ નીચે દટાયેલા ૧૮ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ૬ મજૂરોને કલ્પના ચાવલા સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય ઘાયલ મજૂરોને તરવાડીના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. DC  અનીશ યાદવ અને SP શશાંક કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરી રહ્યા છે. તેમણે ઘાયલોને સારી સારવાર આપવાની ખાતરી આપી છે.