હરિયાણામાં હિંસા પછી ૧,૨૦૦થી વધુ સંપત્તિ ઉપર બુલડોઝર ફરી વળ્યું

  • જેમાંથી મોટાભાગના ઘરો મુસ્લિમોના છે. અત્યાર સુધીમાં ૧૨૦૦ થી વધુ ઈમારતો તોડી પાડવામાં આવી છે જેમાં મકાનો અને દુકાનો પણ સામેલ છે.

નવીદિલ્હી, હરિયાણાના નૂહ જિલ્લામાં શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો બાદ હિંસા ફાટી નીકળ્યા બાદ હવે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. નૂહ બાદ ચારે બાજુ ફેલાયેલી આ હિંસામાં ૬ લોકોના મોત થયા હતા અને ૮૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે બાદ હવે બુલડોઝરની કાર્યવાહી પણ ઝડપથી થઈ રહી છે, ખટ્ટર સરકારે ઘણા લોકોના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી કરી છે, જેમાંથી મોટાભાગના ઘરો મુસ્લિમોના છે. અત્યાર સુધીમાં ૧૨૦૦ થી વધુ ઈમારતો તોડી પાડવામાં આવી છે જેમાં મકાનો અને દુકાનો પણ સામેલ છે.

નુહ જિલ્લામાં માત્ર પાંચ દિવસમાં ૧,૨૦૮ ઈમારતો અને અન્ય બાંધકામો, જેમાંથી મોટાભાગની મુસ્લિમ સમુદાયની છે, તોડી પાડવામાં આવી હતી. જ્યારે કેટલાક પત્રકારો ઘટનાસ્થળે પહોંચ્યા અને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તોડી પાડવામાં આવેલી મોટાભાગની મિલક્તો મુસ્લિમોની છે. વધુમાં, ૭ ઓગસ્ટના રોજ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ આ મામલામાં હસ્તક્ષેપ કરીને હરિયાણા સરકારને પૂછ્યું કે શું સરકાર બુલડોઝરની કાર્યવાહીના એક્તરફી સ્વભાવને ધ્યાનમાં રાખીને “વંશીય સફાઈ”માં સામેલ છે કે કેમ. આ પછી આ કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.

અહેવાલમાં જણાવાયું છે કે જે મિલક્તો તોડી પાડવામાં આવી હતી તે નૂહ, નલ્હાર, પુનહાના, તૌરુ, નાંગલ મુબારકપુર, શાહપુર, અગોન, અદબર ચોક, નલ્હાર રોડ, તિરંગા ચોક અને નગીનાના નગરો અને ગામોમાં હતી. જ્યાં મોટી સંખ્યામાં ઈમારતો તોડી પાડવામાં આવી હતી. સ્થાનિકોનો આરોપ છે કે ઘણી ઇમારતો ગેરકાયદેસર ન હતી, છતાં તેને તોડી પાડવામાં આવી હતી.

રિપોર્ટમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ઓએસડી જવાહર યાદવની મુલાકાત લેવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે જે ઈમારતો તોડી પાડવાની જરૂર હતી તે ઈમારતોની ઓળખ કરવામાં તમામ અલગ-અલગ વિભાગના અધિકારીઓ સામેલ હતા. આ અંગે ૧ ઓગસ્ટના રોજ એક બેઠક યોજવામાં આવી હતી અને દરેક અધિકારીએ તેમના વિસ્તારના રેકોર્ડ સ્કેન કર્યા હતા. આ પછી, હિંસામાં સંડોવાયેલા શકમંદોના નિવેદનના આધારે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.હરિયાણા સરકારના જણાવ્યા અનુસાર, તોડી પાડવામાં આવેલા મકાનો તે તમામ લોકોના હતા જેમની ધરપકડ કરવામાં આવી હતી અથવા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ કાર્યવાહી પહેલા કાયદાકીય અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. પરિવારોને નોટિસ આપવાના પ્રશ્ર્ન પર ઓએસડીએ કહ્યું કે ૩૦ જૂને નોટિસ આપવામાં આવી હતી, એટલે કે પહેલી ઓગસ્ટના રોજ યોજાનારી મીટિંગ પહેલા કરવામાં આવી હતી.

જો કે, જેની મિલક્તો તોડી પાડવામાં આવી છે તે લોકોનું કહેવું છે કે વહીવટીતંત્ર દ્વારા કોઈ સૂચના કે માહિતી આપવામાં આવી નથી. બુલડોઝર સીધા તેમના ઘરો અને દુકાનો પર પહોંચી ગયા હતા અને તેમને તોડી પાડ્યા હતા.રિપોર્ટમાં ખેરલી કાંકર ગામના લિયાક્ત અલીનો ઉલ્લેખ છે, જેઓ ટાઇલ્સનો શોરૂમ ધરાવે છે. તેણે કહ્યું કે તેના શોરૂમને તોડી પાડવાની થોડી મિનિટો પહેલા નોટિસ પોસ્ટ કરવામાં આવી હતી. તેણે જણાવ્યું કે તેણે પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને છેલ્લા છ વર્ષથી તે ચલાવી રહ્યો હતો. આ દરમિયાન પ્રશાસને ક્યારેય કોઈ નોટિસ મોકલી નથી. એ જ રીતે નૂહ જિલ્લાના ઘણા ગામડાઓ અને શહેરોમાં રહેતા મુસ્લિમો પણ એવું જ કહે છે અને આરોપ લગાવે છે કે તેમના મકાનો અને દુકાનો કાયદેસર હોવા છતાં તોડી પાડવામાં આવ્યા હતા. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ સમગ્ર હરિયાણામાં મુસ્લિમ સમુદાયના લોકોની સંપત્તિ પર સૌથી વધુ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંગે અધિકારીઓ અને સરકારની પોત-પોતાની દલીલો છે.