પાટણ,
પાટણ જિલ્લામાં ૪૮ કલાકમાં બીજી ફાયરિંગની ઘટના બની છે. આજે પાટણના હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં એક યુવકે જૂની અદાવતમાં રિવોલ્વરઙ્મઇ ધડાધડ ગોળીઓ વરસાવતા ત્રણ લોકો ઘાયલ થયા હતા. ત્રણેય લોકોને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બાબતે મળતી હકીક્ત મુજબ હારીજ તાલુકાના દુનાવાડા ગામે કોઈ અંગત અદાવત લઈને ગામના પરમાર ઈસમ દ્વારા પોતાના પાસેની રિવોલ્વર માંથી છ કરતા વધુ રાઉન્ડ ફાયરિંગ કરાતા ગામના સુથાર શિવાભાઈ હીરાભાઈ, પટ્ટણી સોનાજી તેમજ પટ્ટણી વિજય નામના ત્રણ ઈસમોને શરીરના જુદા જુદા ભાગોમાં ગોળી વાગતા ગંભીર ઈજાઓ સાથે ત્રણેય ઈસમોને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સુથાર શિવાભાઈ હીરાભાઈને છાતીના ભાગે બે ગોળી તેમજ માથાના ભાગે બે ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તો પટ્ટણી સોનાજી ઉંમર વર્ષ ૫૫ ને પણ માથાના ભાગે ગોળી વાગી હોય ૧૫ જેટલા ટાંકા લેવામાં આવ્યા છે.તો પટ્ટણી વિજય નામના ૩૦ વર્ષીય યુવાનને કાનના ભાગેથી ગોળી સરકીને જતી રહેતા તેને પણ સામાન્ય ઇજાઓ થઈ હોય ત્રણેય ઇજાગ્રસ્તો ને હાલમાં ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી હોવાનું ધારપુર હોસ્પિટલ પર ફરજ બજાવતા તબિબ ડોક્ટર હિતેશ ગોસાઈએ જણાવ્યું હતું.
હારીજ તાલુકાના દુનાવાડા ગામે ફાયરિંગની ઘટના ની જાણ હારીજ પોલીસને તેમજ પાટણ એલસીબી ટીમને થતા તેઓએ તાત્કાલિક દુનાવાડા ગામે પહોંચી જઈ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી ફાયરિંગ કરી ફરાર થયેલા પરમાર શખ્સને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હારીજ તાલુકાના દુનાવાડા ગામે શુક્રવારે બપોરના સુમારે બનેલી ફાયરિંગની ઘટનાના પગલે ગામમાં સનસનાટી મચી જવા પામી છે.
પાટણ જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં ફાયરિંગની બે ઘટનાઓ બની ચૂકી છે. ગઈકાલે શંખેશ્ર્વર તાલુકાના પાદલા ગામમાં ફાયરિંગનો બનાવ બન્યા બાદ આજે હારીજ તાલુકાના દુનાવાડામાં પણ ફાયરિંગની ઘટના બનતા જિલ્લાની કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલો ઉઠ્યા છે.