હરિદ્વાર હરકી પૈડી કોરિડોર પર કાશી વિશ્ર્વનાથના વિરોધ બાદ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી પોતાની જ સરકાર સામે વિરોધ કરશે

નવીદિલ્હી,

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે કાશી વિશ્ર્વનાથની તર્જ પર પ્રસ્તાવિત હરકી પૌડી કોરિડોર હરિદ્વારની સુંદરતા બગાડશે. એટલા માટે તે તેનો વિરોધ કરશે. સ્વામીએ કહ્યું કે, હરિદ્વાર પહોંચ્યા પછી તેમને ખબર પડી કે હરકી પૌડી કોરિડોર વિક્સાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.

કોરિડોર વિક્સાવવાથી હરિદ્વારની સુંદરતા બગડશે. વારાણસીમાં કોરિડોરનો વિકાસ થયો, ત્યાંના લોકો હજુ પણ નાખુશ છે. વિકાસના નામે મંદિરો તોડવામાં આવ્યા. લોકોના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ધામીએ તેમના અધિકારીઓને સમજાવવું જોઈએ કે કોરિડોર વિક્સાવવાથી કંઈ થશે નહીં.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં ઉત્તરાખંડ વિધાનસભામાંથી બરતરફ કરાયેલા ૨૨૮ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરશે. સુબ્રમણ્યમ સ્વામીએ આ કર્મચારીઓની બરતરફીને સમાનતાના અનુચ્છેદ-૧૪નું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ સાથે સુબ્રમણ્યમ સ્વામીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને આ કર્મચારીઓને તેમના સ્તરેથી પુન:સ્થાપિત કરવાની માંગ કરી હતી.