હારી ગયા તો બધું ખોવાઈ ગયું! શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે માટે લોક્સભા ચૂંટણી અસ્તિત્વની લડાઈ છે.

  • જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર માટે આ ક્સોટી સમાન છે

મુંબઇ,લોક્સભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રના રાજકારણમાં પણ રસપ્રદ વળાંક આવી રહ્યો છે. મહાગઠબંધનમાં સીટની વહેંચણીને લઈને પણ ખેંચતાણ ચાલી રહી છે. મહારાષ્ટ્રના બે મુખ્ય પ્રાદેશિક પક્ષોના નેતાઓ, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે, તેમના રાજકીય અસ્તિત્વ માટે લડી રહ્યા છે. આ ચૂંટણી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા અજિત પવાર માટે પણ પરીક્ષા છે. શિંદે અને અજિત પવાર પોતાની પાર્ટીઓથી અલગ થઈને બીજેપીના નેતૃત્વવાળા એનડીએમાં જોડાઈ ગયા. પરંતુ ઠાકરે અને શરદ પવાર માટે પડકાર મોટો છે કારણ કે તેઓ સત્તાથી બહાર છે અને તેમના પક્ષોનું મૂળ નામ અને ચૂંટણી ચિન્હ પણ ગુમાવી દીધું છે.

ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે અજિત પવારના નેતૃત્વવાળી એનસીપી અને શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને વાસ્તવિક એનસીપી અને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી છે. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રકાશ અકોલકરે કહ્યું કે બંને નેતાઓએ ચૂંટણીમાં પ્રભાવશાળી પ્રદર્શન કરવાની જરૂર છે, નહીં તો તેમનું રાજકીય અસ્તિત્વ જોખમમાં આવી જશે. અકોલકરે કહ્યું કે આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સુધી તેમના જૂથને એક રાખવા માટે, ઉદ્ધવ ઠાકરે માટે એ મહત્વનું છે કે તેમના ઓછામાં ઓછા છ-સાત ઉમેદવારો ચૂંટણી જીતે.

પ્રકાશ અકોલકરે કહ્યું કે ઠાકરેએ એટલી જ લોક્સભાની બેઠકો પર ચૂંટણી લડવી પડશે જેટલી તેમની પાર્ટી ૨૦૧૯માં ભાજપની સાથી હતી ત્યારે ચૂંટણી લડી હતી. ઠાકરેએ અત્યાર સુધીમાં ૨૧ ઉમેદવારોના નામ જાહેર કરીને તે જ કર્યું છે જ્યારે કોંગ્રેસ આમાંથી કેટલીક બેઠકો પર દાવો કરી રહી હતી. એનસીપી (શરદચંદ્ર પવાર) મહા વિકાસ અઘાડીમાં શિવસેના (યુબીટી) અને કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીના ભાગરૂપે ૧૦ લોક્સભા મતવિસ્તારોમાં ચૂંટણી લડી રહી છે. પરંતુ અકોલકરે કહ્યું કે શરદ પવાર માટે મહત્વની બેઠક તેમના ગૃહ મતવિસ્તાર બારામતી છે જ્યાં તેમની પુત્રી અને ત્રણ વખત સાંસદ સુપ્રિયા સુલે અજિત પવારની પત્ની સુનેત્રા પવાર તરફથી પડકારનો સામનો કરી રહી છે.

અકોલકરે કહ્યું, “જો શરદ પવાર બારામતી ગુમાવશે તો તેમનું બધું જ ખોવાઈ જશે. આ તેમની અને તેમના ભત્રીજા અજીત વચ્ચેની લડાઈ છે. જ્યારે ૮૩ વર્ષીય શરદ પવાર તેમની પાંચ દાયકાની રાજકીય કારકિર્દીમાં ક્યારેય ચૂંટણી હાર્યા નથી, ઉદ્ધવ ઠાકરેએ ક્યારેય સીધી ચૂંટણી લડી નથી. જ્યારે ઠાકરે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. ચૂંટણી પહેલા, ઠાકરે રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી રહ્યા છે અને તેમની રેલીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

શરદ પવાર પૂણે જિલ્લામાં (જ્યાં બારામતી મતવિસ્તાર છે) તેમના જૂના હરીફોનો પણ સંપર્ક કરી રહ્યા છે જેથી તેમની પુત્રીનો રસ્તો સરળ રહે. દલિત નેતા પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી (વીબીએ) સાથે એમવીએની બેઠક-વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે, જેના કારણે સ્ફછ અને ’મહાયુતિ’ ગઠબંધન વચ્ચેની સીધી સ્પર્ધા ત્રિકોણીય સ્પર્ધામાં ફેરવાઈ ગઈ છે, જે અકોલકર માને છે કે શાસક ગઠબંધનને ફાયદો થશે.

વરિષ્ઠ પત્રકાર અભય દેશપાંડેએ જણાવ્યું હતું કે આ ચૂંટણી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના દાવાની પણ ક્સોટી છે કે તેમના સંબંધિત પક્ષોના પરંપરાગત મતદારો અને કેડર તેમને વફાદાર છે. દેશપાંડેએ કહ્યું કે ભાજપના કાર્યકરોમાં પણ બધુ સારું નથી અને તે જોવાનું બાકી છે કે શું તેઓ અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી અને શિંદેની આગેવાનીવાળી શિવસેનાના ઉમેદવારો માટે પૂરા દિલથી કામ કરે છે. તેમણે કહ્યું, “રાજકીય પક્ષો વચ્ચે મતભેદ નવી વાત નથી. પરંતુ વિભાજન પછી પહેલીવાર બળવાખોરોએ મૂળ પક્ષો પર કબજો મેળવ્યો અને માન્યતા મેળવી.

ભૂતપૂર્વ પત્રકાર અને હવે ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી હર્ષલ પ્રધાને દાવો કર્યો હતો કે આ ચૂંટણી વાસ્તવમાં ભાજપ અને તેના નેતૃત્વના અસ્તિત્વ વિશે છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે વિપક્ષી પાર્ટીઓને ડરાવવા અને નબળા પાડવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કર્યો અને તેમની પદ્ધતિ વિપક્ષી નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાની અને પછી તેમને પાર્ટીમાં સામેલ કરવાની છે. એનસીપી એસપીના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ પણ આવો જ મત વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ ચૂંટણી ભાજપ માટે અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ છે કારણ કે તેઓને ડર છે કે તેઓ હારી જશે અને તેથી તેઓ પક્ષો અને પરિવારોને તોડવા જેવી સસ્તી યુક્તિઓનો આશરો લઈ રહ્યા છે.