ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 38મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જયપુરમાં મેચ રમાઈ હતી. આ મેચમાં સંજુ સેમસનની કપ્તાનીમાં રમી રહેલી રાજસ્થાન રોયલ્સનો દબદબો સંપૂર્ણ રીતે જોવા મળ્યો હતો. આ સિઝનમાં 8 મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સની આ પાંચમી હાર છે.
આ બધાની વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા સતત ચાહકોના નિશાના પર છે અને મુંબઈની હાર માટે હાર્દિકને જવાબદાર માને છે. સાથે જ ઘણા પૂર્વ ક્રિકેટરો પણ હાર્દિકની કેપ્ટન્સી પર કટાક્ષ કરતાં જોવા મળ્યા છે. એવામાં હવે ગઇકાલની આ મેચ બાદ ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે યશસ્વી જયસ્વાલના વખાણ કર્યા છે, પરંતુ સાથે જ તેણે ફરી એકવાર હાર્દિક પંડ્યા પર નિશાન સાધ્યું છે. ઈરફાન પઠાણે એમ પણ કહ્યું કે તે જે પ્રકારના ફોર્મમાં છે તે ટીમ ઈન્ડિયા માટે પણ સારી વાત નથી.
ઈરફાન પઠાણે ઇન્સ્ટાગ્રામ પર એક વડિયો શેર કરતાં કહ્યું કે, ‘એવું લાગી રહ્યું છે કે હાર્દિક પંડ્યા IPLમાં ફોર્મમાં પાછા ફરવા માટે સરળ રસ્તાઓ શોધી રહ્યો છે. જ્યારે ઓપનર રન બનાવે છે ત્યારે તેઓ બેટિંગ ઓર્ડરમાં આગળ બેટિંગ કરવા આવે છે અને જ્યારે જલ્દી વિકેટ પડે છે ત્યારે તેઓ ટિમ ડેવિડ અને નેહલ વાઢેરાને આગળ મોકલે છે. આ રીતે તમે ટીમમાં સન્માન મેળવી શકતા નથી.’
આ સથીએ જ ઈરફાન પઠાણે એમ પણ કહ્યું કે, હાર્દિક પંડ્યાનો હિટિંગ પાવર ઘટી રહ્યો છે, આ ટીમ ઈન્ડિયા માટે સારી વાત નથી. હાર્દિક પંડ્યાને આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ દેખાઈ રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પર હવે પ્લેઓફની રેસમાંથી બહાર થવાનું જોખમ છે.
જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે તેની આગામી મેચ 27 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે, જ્યારે ટીમ હાલમાં 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે.