રાજકોટ,સુરતમાં છેલ્લા બે દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટજ રાજકીય ડ્રામાનો ગઈકાલે અંત આવ્યો. સુરત લોક્સભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં તમામ ભાજપના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. ત્યારે હવે આ અંગે રાજકોટ લોક્સભા ઉમેદવાર પરશોતમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું છે. પરશોતમ રૂપાલાએ કહ્યું કે સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું છે, દેશભરમાં કમળનો ખીલવાનો પ્રવાહ અવિરત રહેશે. ગુજરાતમાં ૨૫માંથી ૨૫ બેઠકો પર કમળ ખીલશે.
સુરતમાં થયેલા રાજકીય ડ્રામાનાં અંત બાદ રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર રૂપાલાએ આ અંગે નિવેદન આપ્યું છે. પરશોતમ રૂપાલાએ પહેલા હનુમાન જયંતિની શુભકામનાઓ પાઠવી. એ પછી તેમણે કહ્યું કે હનુમાનજી મહારાજની કૃપાથી ભારતીય જનતા પક્ષની ઝોળીમાં સુરતનું એક કમળ આવી ગયું છે. જેની આપ સૌને શુભકામનાઓ. હનુમાન જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. દેશભરમાંથી આ એક શુકન થયા છે, અને આ શુકનનો પ્રવાહ આખા દેશની અંદર આગળ વધશે.
જણાવી દઈએ કે ચૂંટણી વગર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજયી બન્યા છે, ત્યારે ભાજપના ઉમેદવારને કલેકટરે જીતનું સટફિકેટ આપી દીધું છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મુકેશ દલાલને શુભેચ્છાઓ પાઠવી, તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે, મુકેશ દલાલનો દેશના વિકાસમાં મોટો ફાળો રહેશે. ચૂંટણી પહેલા કોંગ્રેસે ડ્રામા કર્યો છે. તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા છે. વહીવટી તંત્ર ઉપર દબાણ લાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. આજે સત્ય બહાર આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, ૪૦૦ પારના લક્ષ્યાંકમાં સુરત બેઠકની પહેલ છે.
ગુજરાતમાં ૨૫ બેઠકોમાંથી એક પર ભાજપનો વિજય થઈ ચુક્યો છે, ત્યારે ભાજપે સુરતમાં ઈતિહાસ રચી દીધો છે. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સાત જેટલા ઉમેદવારો મેદાને હતા. જ્યારે જે તમામ અપક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર કરવામાં આવ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ઉમેદવારી પત્રમાં ત્રણ ટેકેદારોની સહી કરવાની હોય છે. જ્યારે જગદિશ સાવલિયા, રમેશ પોલરા અને ધીરૂભાઈ ધામેલિયાએ ચૂંટણી અધિકારીને રૂબરૂમાં જઈને નિવેદન આપ્યું છે. જે ત્રણેય ટેકેદારોએ જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર થઈને પોતાનું એફિડેવિટ રજૂ કર્યું છે. ત્યારે સુરત લોક્સભા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું. કોંગ્રેસે સુરત લોક્સભા બેઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપ. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો કે, ઉમેદવાર કુંભાણીના ટેકેદારોએ કહ્યું કે અમારી ખોટી સહી કરી છે. વધુમાં કહ્યું કે, તેમણે આક્ષેપ કર્યો કે ઉમેદવારી પત્રમાં નિલેશ કુંભાણીએ દર્શાવેલી સહી અમારી નથી. આ પછી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર કરવામાં આવ્યા.