હનુમાન ચાલીસા વિવાદ: નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા સામે કોર્ટનું વોરંટ

મુંબઈ,

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસા વિવાદ મામલે સેશન્સ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સેશન્સ કોર્ટે સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું છે. બંને વિરુદ્ધ અદાલતે જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ મામલે બંનેને કોર્ટે નોટિસ પાઠવી ૧૧ નવેમ્બરના રોજ હાજર થવા માટે કહ્યું હતું પરંતુ બંને હાજર નહોતા થયા. આજે પણ સુનાવણી દરમિયાન બંને હાજર નહોતા થયા ત્યારબાદ અદાલતે બંને વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

નવનીત રાણા હનુમાન ચાલીસા પાઠને લઈને ચર્ચામાં રહી હતી. એટલું જ નહીં આ વિવાદને લઈને તેમણે ઉદ્ધવ સરકાર સામે મોર્ચો ખોલ્યો હતો. બીજી તરફ ત્યારે હનુમાન ચાલીસા વિવાદમાં સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને મુંબઈ પોલીસે શરતી જામીન આપ્યા હતા.

આ મામલે બોમ્બે હાઈકોર્ટે અમરાવતીથી સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાની જામીન રદ કરવાથી ઈનકાર કર્યો હતો. ત્યારે કોર્ટનું કહેવું છે કે, જામીન માત્ર વિશેષ પરિસ્થિતિઓમાં જ રદ થઈ શકે છે. આ સાથે જ એવું પણ કહ્યું હતું કે, જામીન રદ કરવા પર ગંભીરતાથી વિચાર થવો જોઈએ. જોકે, તત્કાલિન વિશેષ ન્યાયાધીશ રાહુલ રોકડેએ સુનાવણી દરમિયાન મુંબઈ પોલીસની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં નવનીત રાણા અને તેના પતિ રવિ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગ કરવામાં આવી હતી.