હમાસના 150 આતંકીઓ માર્યા ગયા; અમેરિકી ડ્રોન ટનલ પાસે બંધકોને શોધી રહ્યા છે.

ઇઝરાયલ-હમાસ યુદ્ધના 28માં દિવસે ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે તેણે ગાઝા શહેરને ચારેય બાજુથી ઘેરી લીધું છે અને હવે તે હમાસના આતંકીઓ સાથે સીધી લડાઈ કરી રહ્યું છે. IDFના પ્રવક્તાએ કહ્યું- અમારા સૈનિકો હમાસના કમાન્ડ સેન્ટર, લોન્ચિંગ પોઝિશન, ટનલ અને અન્ય ટાર્ગેટ પર હથિયારો અને એરક્રાફ્ટથી હુમલો કરી રહ્યા છે.

IDFએ કહ્યું- અમે હમાસને ખતમ કરવાની તૈયારીમાં છીએ. આ સમયે યુદ્ધવિરામ પર વિચારણા પણ કરવામાં આવી રહી નથી. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ગુરુવારે ઇઝરાયલની સેનાએ હમાસના લગભગ 150 આતંકીઓને મારી નાખ્યા. હમાસ સાથેની લડાઈમાં લગભગ 23 IDF સૈનિકોએ જીવ ગુમાવ્યો.

ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ કહ્યું- અમે ગાઝા શહેરમાં પ્રવેશી ચૂક્યા છીએ. હવે અમને કોઈ રોકી શકશે નહીં. યુદ્ધમાં પેલેસ્ટિનિયનો મૃત્યુ ન પામે તે માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ હમાસના આતંકીઓ તેમની વચ્ચે ઘૂસી ગયા છે. તેમના ઘરની નીચે ટનલ બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં કેટલીક જગ્યાએ પેલેસ્ટાઈનની હાજરી હોવા છતાં હુમલા કરવા જરૂરી બની ગયા છે.

હમાસે કહ્યું- કાળી બેગમાં ઇઝરાયલી સૈનિકોના શબ મોકલાશે આ દરમિયાન, હમાસની સૈન્ય પાંખ અલ-કાસિમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઓબેદાએ કહ્યું છે કે ગાઝા પર હુમલો કરનારા ઇઝરાયલી સૈનિકોને મારીને કાળી બેગમાં પાછા મોકલવામાં આવશે. ગાઝા ઇઝરાયલના ઈતિહાસનો અભિશાપ બની જશે.

બીજી તરફ, લેબનોનના હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠને કહ્યું કે તેઓએ ગુરુવારે 19 ઇઝરાયલની જગ્યાઓ પર હુમલો કર્યો. જવાબમાં, ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેઓએ યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર વડે હમાસના સ્થાનો પર હુમલો કર્યો હતો. હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ આજે પ્રથમ વખત યુદ્ધ પર વાત કરશે.

અમેરિકન ડ્રોન ગાઝામાં બંધકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે
ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર, અમેરિકન ડ્રોન બંધકોને શોધવા ગાઝા શહેર ઉપર ઉડી રહ્યા છે. બીજી બાજુ, ગુરુવારે, ઇઝરાયલના સંરક્ષણ દળોએ કહ્યું હતું કે તે ગાઝાની હોસ્પિટલો સુધી ફ્યૂલ પહોંચવા દેશે. પરંતુ બાદમાં પીએમ નેતન્યાહૂની ઓફિસે આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે હાલમાં આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ખરેખરમાં, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હેર્જી હલેવીએ કહ્યું હતું – અમે ગાઝાની હોસ્પિટલોને ફ્યૂલ ઉપલબ્ધ કરીશું. ગાઝાની સ્થિતિની દરરોજ સમીક્ષા કરવામાં આવી રહી છે. એક અઠવાડિયાથી તેઓ કહી રહ્યા છે કે ગાઝાની હોસ્પિટલોમાં ફ્યૂલ નથી. ફ્યૂલ મોકલવાની તૈયારીઓ થઈ રહી છે. તે સુનિશ્ચિત કરવામાં આવશે કે હમાસ તેના નાપાક ઇરાદાઓને પૂર્ણ કરવા માટે આ ફ્યૂલનો ઉપયોગ કરી શકે નહીં.

ઇઝરાયલે ગાઝામાં બીજા શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો
ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ઇઝરાયલના નાગરિકોએ ગુરુવારે વેસ્ટ બેંકના દીર શર્ફમાં રહેતા પેલેસ્ટિનિયનોના ઘર, કાર અને દુકાનોને સળગાવી દીધી હતી. તેમજ ઘરો પર પથ્થરમારો કર્યો હતો. ઇઝરાયલે ગુરુવારે ગાઝાના બીજા શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો હતો.

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- બુરેઝ રેફ્યુજી કેમ્પમાં 15 લોકોના મોત થયા છે. અહીં 46 હજાર પેલેસ્ટિનિયન શરણાર્થીઓ રહે છે. આ પહેલા 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ ઇઝરાયલે ગાઝાના સૌથી મોટા જબાલિયા રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો હતો.

વેસ્ટ બેંકમાં 1200થી વધુ પેલેસ્ટાઈનની ધરપકડ કરવામાં આવી છે
યુદ્ધનો વ્યાપ વધી રહ્યો છે. ઇઝરાયલની સેના પણ વેસ્ટ બેંકમાં દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં અહીં 1,220 પેલેસ્ટિનિયનની ધરપકડ કરવામાં આવી છે. સેનાનું કહેવું છે કે આમાંથી 740 હમાસ આતંકીઓ છે.

ઇઝરાયલની સેનાનું કહેવું છે કે વેસ્ટ બેંકમાં હમાસના આતંકીઓ પણ હાજર છે. અહીં સેના અને પેલેસ્ટિનિયનો વચ્ચે અથડામણ પણ થઈ રહી છે. યુદ્ધની શરૂઆતથી, વેસ્ટ બેંકમાં રહેતા 128 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. 1,900થી વધુ લોકો ઘાયલ થયા છે.