હમાસના વડા ઈસ્માઈલ હાનિયાના મોત બાદ તણાવ વધ્યો, ઈઝરાયેલના સૈન્ય મથક પર હિઝબુલ્લાનો રોકેટ હુમલો

હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ પશ્ર્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે. હવે ઈરાન સમથત હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલના લેબનોન વિસ્તારમાં એક સૈન્ય મથક પર ૩૦ રોકેટ છોડ્યા છે. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈઝરાયેલ પર ઈરાન તરફથી હુમલાનો ખતરો છે. હવે હિઝબુલ્લાએ ઈઝરાયેલના સૈન્ય મથકને નિશાન બનાવીને રોકેટ છોડ્યા છે. હિઝબુલ્લાએ હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું કે, સૈન્ય લક્ષ્યોને નષ્ટ કરવા માટે રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈઝરાયેલના સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર, રોકેટ ખુલ્લા વિસ્તારમાં પડ્યા હતા. આમાં કોઈને ઈજા થઈ નથી.

હુમલા બાદ યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને ઈઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટર યોવ ગાલાન્ટ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે ઈઝરાયેલની મદદ માટે બે જહાજ અને સબમરીન તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, અબ્રાહમ લિંકન સ્ટ્રાઈક ગ્રૂપને પણ આ વિસ્તારમાં તૈનાતી સઘન બનાવવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયેલના રક્ષા મંત્રીએ કહ્યું કે ઈરાન ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. આના પર અમેરિકાએ તેને સુરક્ષાની ખાતરી આપી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. તેના થોડા કલાકો પહેલા જ બેરૂતમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર માર્યો ગયો હતો. ઇઝરાયેલ પર બંને હત્યાનો આરોપ હતો. તેહરાનમાં હાનિયાની હત્યાથી નારાજ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી છે. બીજી તરફ હિઝબુલ્લાહ પણ સ્ટાઈલ પર સતત હુમલા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, એવી આશંકા છે કે ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલ પર ટૂંક સમયમાં હુમલો થઈ શકે છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દુશ્મન દેશોને ધમકી આપતા કહ્યું કે જે કોઈ આપણને નુક્સાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તેને ભારે કિંમત ચૂકવવી પડશે.