તેલઅવીવ,ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હજુ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧૮ હજારથી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું કે અમારા લક્ષ્ય હાંસલ કર્યા બાદ ગાઝામાં હમાસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધનો અંત આવી જશે. ઈઝરાયેલના મંત્રીએ કહ્યું કે ઉત્તરી ગાઝા પટ્ટીમાં હમાસની જબાલિયા અને શાજેયા બટાલિયન વિનાશના આરે છે.
ઇઝરાયેલના સંરક્ષણમંત્રી યોવ ગેલન્ટે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જ્યારે ઈઝરાયેલ પોતાના લક્ષ્યો હાંસલ કરી લેશે તો ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ ખતમ થઈ જશે. હું અને અમારું આખું કેબિનેટ સંપૂર્ણ રીતે અમેરિકા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ છે, તે શું કહે છે, શું પૂછે છે અને શું કરી રહ્યું છે. અમે અમેરિકનો સાથે મળીને મદદના રસ્તા શોધીશું. બંધકોની મુક્તિના પ્રશ્ર્ન પર તેમણે કહ્યું કે જેમ જેમ ઈઝરાયેલ સૈન્ય હુમલાઓ વધારશે તેમ બંધકોને છોડાવવા માટે વધુ પ્રસ્તાવ આવશે, પછી અમે તેના પર વિચાર કરીશું.
ગેલેંટે વધુમાં કહ્યું કે ઇઝરાયલી દળોએ હમાસના છેલ્લા ગઢ જબાલિયા અને શાજેયાને ઘેરી લીધા છે. હમાસની બટાલિયન જે અજય હતી અને હંમેશા ઇઝરાયલ સામે લડવા માંગતી હતી તે આજે વિનાશના આરે છે. યુદ્ધ દરમિયાન હમાસના સેંકડો લડવૈયાઓએ અમારી સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. તેઓ આત્મસમર્પણ કરી રહ્યા છે. અમે આત્મસમર્પણ કરનારા લડવૈયાઓનો જીવ બચાવ્યો છે. અમારા જવાનો આતંકવાદીઓની પૂછપરછ કરી રહ્યા છે. પૂછપરછ દરમિયાન આતંકીઓ ઘણી રસપ્રદ વાતો જણાવી રહ્યા છે.
ગેલન્ટે હમાસના વડા યાહ્યા સિનવારને પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે હમાસના વરિષ્ઠ કમાન્ડરોનું ભાગ્ય પણ અન્ય આતંકવાદીઓ જેવું જ છે. હમાસના અધિકારીઓએ પણ આત્મસમર્પણ કરવું પડશે અથવા મરવું પડશે, આ સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.