તેલ અવિવ: ગાઝામાં ઇઝરાયેલના સૈન્ય અને આતંકી સંગઠન હમાસ વચ્ચે ઓક્ટોબર મહિનાથી યુદ્ધની સ્થિતિ છે. ઇઝરાયેલ દ્વારા ગાઝા પર હમાસના આતંકીઓના ખાતમા માટે અનેક હુમલા કરવામાં આવ્યા છે. આ યુદ્ધને ત્રણ મહિનાનો સમય વીતી ચુક્યો છે. એવામાં ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે આ યુદ્ધમાં હમાસના ૮૦૦૦ આતંકીઓનો ખાતમો કર્યો છે. યુદ્ધ ખતમ થાય તે માટે અમેરિકા અને યુરોપિયન યુનિયનના ટોચના અધિકારીઓ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે. જ્યારે બીજી તરફ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ૩ મહિનામાં ઇઝરાયેલના હુમલામાં ૨૨ હજારથી વધુ પેલેસ્ટાઇનના નાગરિકો માર્યા ગયા છે.
૭ ઓક્ટોબરના રોજ હમાસે ઇઝરાયેલ પર બોમ્બમારો કર્યો હતો અને અનેક ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવી લીધા હતા, જે બાદ શરૂ થયેલા યુદ્ધને ૭ જાન્યુઆરીએ ત્રણ મહિના પૂર્ણ થઇ ચુક્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ઇઝરાયેલ દ્વારા ગાઝામાં થયેલા હુમલામાં ૨૨ હજાર નાગરિકો માર્યા ગયા છે. જ્યારે ઇઝરાયેલ સૈન્યએ દાવો કર્યો છે કે તેણે હમાસના ૮ હજાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સાત ઓક્ટોબરના હુમલા બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસના ખાતમા સુધી યુદ્ધ શરૂ રાખવાની જાહેરાત કરી હતી.
હવે જ્યારે આ યુદ્ધને ત્રણ મહિના વીતી ગયા છે ત્યારે ઇઝરાયેલે કહ્યું છે કે ગાઝામાં હમાસના તમામ સ્થળોનો નાશ કરી દેવામાં આવ્યો છે. અને હવે યુદ્ધ કરવા જેવુ કઇ બચ્યું નથી. હવે જો હમાસ દ્વારા કોઇ વળતો હુમલો કરવામાં આવે તો ઇઝરાયેલ ફરી ગાઝા પર બોમ્બમારો કરી શકે છે. હાલમાં પણ નાના મોટા હુમલા શરૂ હોવાનો દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ઇઝરાયેલી સૈન્યના પ્રવક્તા રીઅર એડમ ડેનિયલે કહ્યું હતું કે ઇઝરાયેલ સૈન્ય પાછીપાની નહીં કરે, હમાસના સંપૂર્ણ ખાતમા સુધી આ યુદ્ધ નહીં અટકે. જ્યારે હમાસ દ્વારા સંચાલીત ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ઇઝરાયેલના હુમલાઓમાં ૨૨૭૦૦ પેલેસ્ટાઇનના નાગરિકો માર્યા ગયા છે. અને ૫૮૦૦૦થી વધુ નાગરિકો ઘાયલ થયા છે. જેમાંથી ૬૦ ટકા લોકો બાળકો અને મહિલાઓ છે. જ્યારે ઇઝરાયેલે મોટી સંખ્યામાં નરસંહાર માટે હમાસને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે આતંકીઓ રહેણાંકવાળા વિસ્તારોમાં છુપાયા હોવાથી આ હુમલામાં નાગરિકો પણ માર્યા ગયા છે. ઇઝરાયેલ દ્વારા શનિવારે મોટો હુમલો કરાયો હતો જેમાં માર્યા ગયેલા પૈકી ૧૨ બાળકો સહિત ૧૮ લોકોના મૃતદેહોને ખાન યુનુસ શહેરની નાસીર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રફાહમાં થયેલા તાજેતરના હવાઇ હુમલામાં બે પત્રકારો પણ માર્યા ગયા હતા. આ જ ખાન યુનુસ શહેરમાં હમાસના આતંકીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી અનેક ટનલો પણ મળી આવી હોવાનો દાવો ઇઝરાયેલે કર્યો છે. આ વિસ્તારમાં મોટુ અન્ડરગ્રાઉન્ડ શહેર પણ મળી આવ્યું છે. જ્યાં હમાસના આતંકીઓ હથિયારો, રોકેટ સાથે છુપાયા હતા. દરમિયાન આતંકીઓ દ્વારા ઇઝરાયેલ સૈન્ય પર પણ હુમલા જારી છે.