હળવદ તાલુકાના રાયસંગપર ગામે આજે મોડી રાત્રીના કૌટુંબિક બે ભાઈઓએ જ બે ભાઈ પર છરી અને ધોકા વડે હુમલો કરતા એકનું મોત નીપજ્યું છે જ્યારે એકને ગંભીર હાલતે મોરબી રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.તો બીજી તરફ હુમલો કરવા આવેલ બે ભાઈઓ માંથી એક ઇજાગ્રસ્ત થતા તેને પણ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઈ લોલાડીયા ઉંમર વર્ષ ૨૩ અને ગોપાલભાઈ બાબુભાઈ લોલાડીયા ઉંમર વર્ષ ૧૮ આજે રાત્રિના તેઓના ઘરે સુતા હતા ત્યારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ કૌટુંબીક જ ભાઈઓ વિપુલભાઈ કરમણભાઇ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા અને ગૌતમભાઈ ઉર્ફે ગવો કરણભાઈ લોલાડીયા શામજીભાઈ ના ઘરે ધોકા અને છરી લઈને ધસી આવ્યા હતા.જેમાં આરોપીઓએ શામજીભાઈ અને ગોપાલભાઈ પર હુમલો કરતા શામજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ગોપાલભાઈ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ આ બનાવમાં હુમલો કરવા આવેલ આરોપી વિપુલભાઈ કરમભાઈ ઉર્ફે કાળુભાઈ લોલાડીયાને પણ માથાના ભાગે ઈજા પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓ અને મૃતક એક જ કુટુંબના હોય અને કાકા-ભત્રીજા થતા હોય જોકે આઠ એક મહિના પહેલા મૃતક શામજીભાઈ લોલાડીયાએ આરોપી વિપુલભાઈની બેનને ભગાડી ગયા હોય અને ત્યારબાદ બંને પકડાઈ જતા એક જ કુટુંબના હોય તેથી લગ્ન શક્ય ન હોય માટે કુટુંબીજનોએ લગ્ન કરવા ન દીધા હતા જેથી મૃતકના પરિવારજનોએ શામજીભાઈને ગાંધીધામ તેની બહેનના ત્યાં મોકલી દીધો હતો. આઠેક મહિના બાદ મૃતક શામજીભાઈ શનિવારે જ રાયસંગપર ગામે આવ્યો હતો અને આરોપીઓ તું અહીં કેમ આવ્યો છો તેમ કહી શામજીભાઈ પર અને ગોપાલભાઈ પર છરી અને ધોકા વડે તૂટી પડ્યા હતા.બનાવ અંગે પોલીસને જાણ થતા પીઆઈ આર.ટી.વ્યાસ સહિતની સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ બનાવની ગંભીરતાને યાને લઇ હુમલાખોરોની તાત્કાલિક અટકાયત કરી મૃતકના પિતાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.