હાલોલના તરખંડામાં બે મિત્રો દ્વારા મિત્રની કરી હત્યા

  • એક વર્ષ અગાઉ મહિલા બાબતે થયેલ તકરારની અદાવતમાં ઈટવાડીના ઈસમે હત્યાને અંજામ આપ્યો
  • હત્યાને છુપાવવા બાઈક સાથે મૃતદેહને કુવામાં ફેંકયાની કબુલાત

હાલોલ,
હાલોલ તાલુકાના તરખંડા ગામ રહેતો યુવક ર જુનના રોજ બાઈક લઈને હાલોલ ડીઝલ લેવા ગયેલ હતો. બીજા દિવસ સુધી પરત નહિ ફરતાં ગુમ થયાની ફરિયાદ નોંધાયેલ હતી. ત્યારે પોલીસ દ્વારા ઈટવાડી ગામની સીમના કુવા માંથી મૃતદેહ મળી આવ્યો હતો. યુવકને બાઈક સાથે બાંધીને કુવામાં ફેંકીને હત્યા કરાઈ હોય તેના આધારે પોલીસે શંકમંદની અટકાયત કરી હતી. પુછપરછ દરમ્યાન ગળુ દબાવી હત્યા કરી પુરાવા નાશ કરવા લાશને કુવામાં ફેંકી દેવાની કબુલાત કરતો પોલીસે બે હત્યારાને વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલના તરખંડા ગામે રહેતા શૈલેષ ખુમાનસિંહ ચાવડા જે ૨ જુનના રોજ પોતાના ઘરે થી બાઈક નંંબર જીજે.૧૭.એએલ.૬૬૪૭ લઈને હાલોલ ડીઝલ લેવા ગયેલ હતા.

જે બીજા દિવસ સુધી પરત નહિ ફરતાં હાલોલ રૂરલ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસ તપાસ દરમ્યાન ઈટવાડી ગામની સીમના કુવામાંથી મોટર સાયકલ સાથે બાંધીને કુવામાં નાખી દીધેલ મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ તરખંડા ગામે ગુમ થયેલ શૈલેષના પરિવારને બોલાવામાં આવ્યો હતો. પરિવારજનો એ શૈલેષના મૃતદેહ હોવાની ઓળખ કરી હતી. પોલીસની તપાસમાં ખુલવા પામ્યું હતું કે, શૈલેષ ગુમ થયાના દિવસે ઈટવાડી ગામે અલ્પેશ ભગવાનભાઈ ચાવડાને મળવા આવેલ હતા અને ત્યારબાદ પતો મળતો ન હોય શકદાર તરીકે અલ્પેશ ચાવડાની પુછપરછ કરતા કબુલાત કરી કે પીતરાઈ ભાઈ સુરપાલની મદદ થી ગુમ થયાના દિવસે સવારે શૈલેષને ગળે દોરીનો ટુંપો આપીને હત્યા કરેલ હતી અને પુરાવાનો નાશ કરવા રાત્રીના સમયે શૈલેષના મૃતદેહને તેની બાઈક સાથે બાંધીને કુવામાં નાંખી હતી. તેવી કબુલાતના આધારે અલ્પેશ ચાવડા એ શૈલષ સાથે એક વર્ષ પહેલા કોઈ મહિલા બાબતે થયેલ ઝગડાની અદાવત રાખીને હત્યા કરી હોવાની કબુલાત કરતાં હાલોલ રૂલર પોલીસે અલ્પેશ ચાવડા અને સુરપાલ ચાવડાની હત્યાના ગુનામાં ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.