
હાલોલના બસસ્ટેન્ડ સામે કપડાંની દુકાન ચલાવતા પિતા પુત્ર પર ચાર હુમલાખોરોએ જૂની અદાવત રાખી ચેટીચાંદના દિવસે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિસ્તારમાં અફડાતફડી સાથે ભયનો માહોલ ફેલાયો હતો. હુમલાની ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં આવી જતા પોલીસે ચાર સામે નામ જોગ પોલીસ ફરિયાદ નોંધી છે.
હાલોલ બસસ્ટેન્ડ સામે આવેલ રાધે ફેશન રેડીમેડ કપડાંની દુકાનમાં શ્યામકુમાર ઇશ્વરદાસ મુલચંદાની, પુત્ર વિજય મુલચંદાની અને દુકાનનો સ્ટાફ હાજર હતો. તે સમયે હાલોલ નિતાનગરમાં રહેતા વિશાલ પરસોત્તમ દાસ સુખવાની, પરસોત્તમદાસ તિરથદાસ સુખવાની તથા પ્રદીપ તીરથદાસ સુખવાની આવી દુકાનદાર પિતા પુત્રને બહાર બોલાવી અપશબ્દો બોલી ચેટિંચાંદના દિવસે તમે દુકાન કેમ ખુલ્લી રાખી હતી તેમ કહી ઝગડો કરતા દુકાનદાર દુકાનમાં જતા રહ્યા હતા. તેમ છતાં ઉશ્કેરાયેલ વિશાલ, કેયુર, પરસોત્તમ અને પ્રદીપ દુકાનમાં પ્રવેશ કરી પુત્ર વિજયને દુકાનની બહાર ખેંચી લાવી લાફાઝીકી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી જતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.
પોલીસે હુમલાખોર પિતા પુત્ર સહિત ચાર લોકો સામે દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી હુમલો અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનામાં હુમલાખોરોનો ભોગ બનનનાર વિજય મુલચંદાણીએ જણાવ્યું હતું કે આ હુમલાની ઘટના જૂની અદાવતમાં કરાઈ છે. હું 11 વર્ષ થી જે લોકોએ હુમલો કર્યો છે. એમની દુકાનમાં નોકરી કરતો હતો. પાંચ વર્ષ પહેલાં મેં બસસ્ટેન્ડ સામે મેં અને મારા પિતાએ રેડીમેડ કપડાંની દુકાન ખોલી અમે ચલાવીએ છે. જે આ લોકોને ગમતું ના હોય એની અદાવત રાખી ચેટીચાંદ દિવસે દુકાન ખુલ્લી રાખવાનું બહાનું કરી ઝગડો કરી હુમલો કરાતા અમારો પરિવાર ખૂબ ગભરાઇ ગયો છે. અમે પોલીસને હુમલાની ઘટનાના સીસીટીવી આપ્યા છે તેમ જણાવ્યું હતું.